નડિયાદ: મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી પર આવેલ ટ્રેક્ટરના શો-રૂમના પ્રોપરાઈટરે પોતાના ચાર ગ્રાહકોને ટ્રેક્ટર ખરીદવા માટે ફાઈનાન્સ કંપનીમાંથી રૂ.૧૯,૫૫,૦૧૭ ની લોન પડાવી આપી હતી. જોકે, બાદમાં શો-રૂમના પ્રોપરાઈટરે આ ચારેય ટ્રેક્ટરો અન્ય વ્યક્તિઓને વેચી મારી, લોનની રકમ ફાઈનાન્સ કંપનીમાં જમા નહીં કરાવી છેતરપિંડી આચરી હતી.
માતરના રતનપુરા ગામમાં આવેલ રબારીવાસ વિસ્તારમાં રહેતાં મહેબુબખાન ફરીદખાન પઠાણ ખાત્રજ ચોકડી ખાતે ટ્રેક્ટરનો શો-રૂમ ચલાવે છે.
તેઓ સન ૨૦૧૯-૨૦ માં ચાર ખેડુતોને ટ્રેક્ટરની લોન માટે ખેડા-માતર રોડ પર આવેલ ચોલામંડળ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ લિ.કંપનીમાં ગયાં હતાં. જ્યાં ચોલામંડળ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સના એરીયા કલેક્શન મેનેજર જીતેન્દ્રભાઈ નટવરલાલ રોહિત સાથે લોન અંગેની વાતચીત કરી, જરૂરી ડોક્યુમેન્ટ આપ્યાં હતાં. જે યોગ્ય જણાતાં ફાઈનાન્સ કંપની દ્વારા ચારેય ખેડુતોને ટ્રેક્ટરની લોન પેટે કુલ રૂ.૧૯,૫૫,૦૧૭ જેટલી રકમ મહેબુબખાનની એજન્સી અનમોલ ટ્રેક્ટરના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતાં. પરંતુ, ચારેય ખેડુતોએ નિયત તારીખે લોનનો હપ્તો ન ભરતાં, ફાઈનાન્સ કંપની દ્વારા આ ચારેય ખેડુતોની તપાસ કરવામાં આવી હતી.
જેમાં અનમોલ ટ્રેક્ટરના પ્રોપરાઈટર મહેબુબખાને આ ચારેય ખેડુતોને માસિક 20 હજાર આપવાની શરતે ટ્રેક્ટરો પરત લઈ ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં આ ચારેય ટ્રેક્ટરો અન્ય ગ્રાહકોના નામે નોંધાયાં હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી ફાઈનાન્સ કંપનીની ટીમ અનમોલ ટ્રેકટરના પ્રોપરાઈટર મહેબુબખાન પઠાણને મળી હતી અને આ મામલે પુછપરછ કરી હતી. જેમાં રૂપિયાની જરૂર હોવાથી મહેબુબખાને ચારેય ટ્રેક્ટરોના અન્ય કસ્ટમરોના નામે બિલ અને સેલ લેટર તૈયાર કરી ચારેય ટ્રેક્ટર વેચ્યાં હોવાની કબુલાત કરી હતી.
સાથે સાથે મહેબુબ ખાને લોનની આ રકમ એક-બે વર્ષમાં ચુકવી આપવાની બાંહેધરી પણ ફાઈનાન્સ કંપનીને આપી હતી. પરંતુ, તે વાતને એક વર્ષ ઉપરાંતનો સમય વિતી ગયાં બાદ પણ મહેબુબખાને લોનની રકમ રૂ.૧૯,૫૫,૦૧૭ ભરપાઈ કરી ન હતી. જેથી ફાઈનાન્સ કંપનીના એરીયા કલેક્શન મેનેજર જીતેન્દ્રભાઈ રોહિતે આ મામલે મહેમદાવાદ પોલીસમથકમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે અનમોલ ટ્રેક્ટરના પ્રોપરાઈટર મહેબુબખાન ફરીદખાન પઠાણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.