Gujarat Main

ડાકોરમાં ઠાકોરના મંદિરમાં મંગળા આરતી સમયે ભક્તો વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ

ડાકોર(Dakor): રાજ્યના ખેડા (Kheda) જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે તા. 1 એપ્રિલની વહેલી સવારે મંગળા આરતી (Mangla Aarti) ચાલતી હતી ત્યારે જ ભક્તોના બે જૂથો વચ્ચે મંદિરના પરિસરની અંદર જ છુટ્ટા હાથની મારામારી થઈ હતી. વાત એટલી વણસી હતી કે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ મામલે અરજી કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આજે સવારે મંદિરની અંદર ભક્તોની મારામારીના લીધે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે સવારે મંદિરની અંદર મંગળા આરતી ચાલી રહી હતી. દર્શન કરવાની જગ્યાના મુદ્દે વૈષ્ણવ ભક્તોના બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. આ મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. મારામારી બાદ વૈષ્ણવ ભક્તોનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું અને પોલીસને અરજી કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મંગળા આરતી માટે ભગવાનના મંદિરના દ્વાર ખુલે તે પહેલાં જ આજે સવારે મંદિર પરિસરમાં બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની મોટી ભીડ ભેગી થઈ હતી. ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન કરાવવામાં આવે તેવી પ્રાર્થના કરતા હતા ત્યારે ગર્ભગૃહની સામે મંદિરના પરિસરમાં કેટલાંક ભક્તો વચ્ચે બોલાચાલી થઈ હતી. વાત વધુ વણસતા બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી. મારામારી થતા ડાકોર મંદિરની રણછોડ સેના અને સ્થાનિક પોલીસે ભક્તોને સમજાવી બહાર કાઢ્યા હતા. બાદમાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

ડાકોરના પીઆઈ વી.ડી. મંડોરાએ કહ્યું કે, સ્થાનિક અને બહારથી આવેલા દર્શનાર્થીઓ વચ્ચે કોઈ મામલે મંદિર પરિસરમાં બોલાચાલી થઈ હતી. જે મારામારી સુધી પહોંચી હતી. બહારથી આવેલા વૈષ્ણવ દર્શનાર્થીએ ડાકોર પોલીસમાં અરજી આપતા તપાસ શરૂ કરાઈ છે.

આ બાબતે ડાકોર મંદિરના મેનેજર જગદીશ દવેએ કહ્યું કે, મંદિરના પરિસરમાં દર્શન બાબતને બે વૈષ્ણવો વચ્ચે મારામારી થઈ છે. મંદિરમાં બંદોબસ્તમાં હાજર પોલીસકર્મી અને અમારા સિક્યુરિટીએ બંને ટોળાને શાંત પાડી છૂટા પાડ્યા હતા. સીસીટીવી કેમેરા ચેક કરાયા છે. તે ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

Most Popular

To Top