સુરત: સુરતના (Surat) ડભોલી વિસ્તારમાં રહેતા કોટક મહિન્દ્રા બેન્કના (Kotak Mahindra Bank) મહિલા સેલ્સ મેનેજર સાયબર ક્રાઈમનો (Cyber Crime) શિકાર બન્યા છે. મહિલાએ ઓસ્ટ્રેલિયા (Australia) ખાતે રહેતા તેના ભાઈ માટે નાસ્તો અને દવા (Medicine) મોકલવા માટે ગુગલ (Google) પરથી કુરીયર (Courier) કંપનીનો કોન્ટેક નંબર મેળવી તેના ઉપર કોલ કર્યો હતો. સામેવાળા ભેજાબાજે મહિલાને ઓનલાઈન ફોર્મ ભરાવી લિન્ક (Link) મોકલી હતી જે લિન્ક ઓપન કરવાની સાથે મહિલાના ખાતામાંથી 55 હજાર ઉપડી ગયા હતા.
સિંગણપોર પોલીસના જણાવ્યા મુજબ ડભોલી રામપાર્ક સોસાયટીમાં રહેતા ટ્વીંકલબેન પ્રિયાંશભાઈ કાકડીયા (ઉ.વ.25) કોટક મહિન્દ્રા બેન્ક રીંગરોડ બ્રાન્ચમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે જયારે તેમનો પતિ સિવિલ એન્જીનીયરીંગનું કામ કરે છે. ટ્વીંકલબેનનો નાનો ભાઈ રેનિશ ઓસ્ટ્રેલિયા ખાતે અભ્યાસ માટે ગયો છે.
ટ્વીંકલબેન ગત તા 24 એપ્રિલના રોજ આંબાતલાવડી લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતા તેના પિતાના ઘરે ગયા હતા ત્યારે તેના ભાઈ રેનિશને ઓસ્ટ્રેલીયા ખાતે નાસ્તો અને દવા મોક્લવા માટે મોબાઈલમાં ગુગલ એપ્લિકેશનમાં બ્લ્યુ ડર્ટ ડોટ કોમ પર સર્ચ કરી વિદેશમાં પાર્સલ મોકલવા માટે મોબાઈલ નંબર મેળવી તેના ઉપર કોલ કરી ઓસ્ટ્રેલીયા ખાતે મેડીસીન અને નાસ્તો મોકલવાની વાત કરી હતી.
જે તે સમયે સામેવાલા હાલમાં તેઓ ગાડી ચલાવે છે. થોડીવારમાં ફોન કરશે તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો અને પંદરેક મિનીટ પછી સામે ફોન કરી તમારું પાર્સલ થઈ જશે. ટ્વીંકલબેને 10 કિલો જેટલુ પાર્સલ મોકલવાનું છે તો તેને ચાર્જ રૂપિયા 3 હજાર કહી ઓનલાઈન ફોર્મ ભરશો તો 10 ટકા ડીસ્કાઉન્ટની વાત કરી હતી.
વોટ્સઅપ ઉપર લિન્ક મોકલી હતી જેમાં બેન્કનું નામ, એટીએમ નંબર સહિતની વિગતો ભરતા ખાતામાંથી રૂપિયા 2 હજાર ડેબિટ થયા હતા. સામેવાળાએ ટ્વીંકલબેનને પાર્સલ પ્રક્રિયા કમ્પલીટ થઈ ગઈ છે. પાર્સલ તૈયાર રાખશો અમારો માણસ આવીને પાર્સલ લઈ જશે તેવી વાત કરી ફોન કાપી નાંખ્યા બાદ ટ્વીંકન બેનના ખાતામાંથી કુલ રૂપિયા 55.701 ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગયા હતા. ખાતામાંથી પૈસા ઉપડી ગયાનો મેસેજ આવતા ટ્વીંકલબેનને ખ્યાલ આવી ગયો કે તેમની સાથે ઓનલાઈન ઠગાઈ થઈ છે. ગતરોજ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.