અમદાવાદ (Ahmedabad): અમદાવાદથી 50 કિ.મી. દૂર બાવળા-બગોદરા હાઈવે (BawlaBagodaraHighway) પર આજે શુક્રવારે સવારે ભયાનક અકસ્માત (Accident) સર્જાયો હતો. ચોટીલાથી (Chotila) દર્શન કરી પરત ફરી રહેલા પરિવારનો છોટા હાથી (ChotaHathi) ટ્રકની (Truck) પાછળ ઘુસી ગયો હતો.
ટક્કર એટલી જોરદાર હતી કે છોટા હાથીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગોઝારા અક્સ્માતમાં 10 લોકોના મોત થયા છે. રસ્તા પર લાશોના ઢગલા થઈ જતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોને ઈજા થઈ હતી. તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસી ચોટીલાના દર્શન કરવા ગયા હતા. ચોટીલાથી પરત ફરતા હતા ત્યારે બાવળા બગોદરા વચ્ચે હાઈવે પર અકસ્માતનો ભોગ બન્યા હતા. બાવળા બગોદરા હાઈવે પર એક પંચર થયેલી ટ્રક ઉભી હતી. આ ઉભેલી ટ્રકની પાછળ છોટા હાથી ટેમ્પો ઘૂસી ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોમાં બેઠેલા 5 મહિલા, 3 બાળકઅને 2 પુરુષ સહિત 10 ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્યોને ઈજા થઈ હતી.
અકસ્માતના લીધે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. લોકોના ટોળાં પણ ભેગા થઈ ગયા હતા. રસ્તા પર લાશોના ઢગલા થયા હતા. લોહીની નદી વહેવા લાગી હતી. 108ની સાઈરનો ગુંજવા લાગી હતી. 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓની દોડધામ વધી ગઈ હતી. લાશોને પોસ્ટમોર્ટમ માટે જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું
ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ ટ્વીટમાં લખ્યું કે, બાવળા-બગોદરા હાઈવે પર થયેલા અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.