ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) કોઈ ઉમેદવારને ભાજપ (BJP) તરફથી લોકસભા ચૂંટણીની (Lok Sabha Elections) ટિકિટ મળે અને પોતાનું નામ જાહેર થયા બાદ કોઈ ઉમેદવાર ચૂંટણી લડવાની ના પાડે તેવું અત્યારસુધી ભાગ્યે જ બન્યું છે. પરંતુ ગુજરાતમાં ભાજપને આજે બે મોટા ઝટકા લાગ્યા છે. સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે (Bhikhaji Thakore) અનેે વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેને (Ranjanben) ચૂંટણી લડવાની ના પાડી હતી.
ભાજપના સાબરકાંઠા બેઠક ઉપરથી જાહેર કરાયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. જોકે તેમણે ચૂંટણી ન લડવાનું કારણ આપ્યું નથી. હવે આ બંને બેઠકો પર ભાજપે નવા ઉમેદવારોની પસંદગી કરવી પડશે. હજુ પણ સંભવતઃ એક-બે બેઠકો બદલવાની વાત ચાલી રહી છે. અગાઉ વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. લોકસભા ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત બાદ ગુજરાત ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાનું કારણ આપ્યું
વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે જાહેરાત કરી છે કે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. તેણીએ કહ્યું કે તે અંગત કારણોસર 2024ની લોકસભા ચૂંટણી લડવા ઇચ્છુક નથી.
વડોદરા લોકસભા બેઠક માટે રંજનબેન ભટ્ટના નામની જાહેરાત થતાં ભાજપમાં વિરોધ શરૂ થયો છે. ભાજપના નેતા જ્યોતિબેન પંડ્યાએ રંજનબેન ભટ્ટના નામનો વિરોધ કર્યો હતો. તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં તેમના નામનો વિરોધ કરતા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. ભાજપ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું, કારણ કે હવે ભાજપને બે બેઠકો માટે નવા ઉમેદવારો પસંદ કરવાના રહેશે.
લોકસભાની ચૂંટણીઓ જાહેર થતા જ ભાજપ દ્વારા વડોદરા લોકસભા બેઠક પર સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ શહેર ભાજપના કેટલાક કાર્યકર્તાઓ ભારે નારાજ હતા, જેમાં વડોદરા લોકસભા બેઠક માટે પ્રમુખ દાવેદાર મનાય રહ્યાં હતાં એવાં પૂર્વ મેયર ડો. જ્યોતિબેન પંડ્યાએ ટિકિટ ન મળતાં તેમણે પાર્ટીની પરવા કર્યા વગર જાહેરમાં આવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ તેમણે સાંસદ રંજનબેન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવી રાજકારણમાં ખડભડાટ મચાવ્યો હતો.