એક મોચી વર્ષોથી રોજ એક જ જગ્યાએ બેસે અને સરસ ભજન ગાતાં કે ગીતો ગાતાં ગાતાં ચંપલ બુટ બનાવતો.આવતાં જતાં ગ્રાહકોનાં ચંપલ સીવી આપતો અને બુટ ચમકાવી આપતો.જેવો રોજ સવારે મોચી આવતો ગલીના ત્રણ ચાર કૂતરા તેની આજુબાજુ આવીને બેસી જતા અને મોચી તેમને બિસ્કીટ અને દૂધ પ્રેમથી ખવડાવતો અને જાણે તેની અને મૂંગાં પ્રાણીઓ વચ્ચે પ્રેમભરી વાતોની આપ લે થઇ જતી. ત્યાર બાદ પોતાનું કામ શરૂ કરતાં પહેલાં ગલીમાં થોડા થોડા અંતરે મૂકેલા બે ટબમાં તે પંખીઓ માટે ચણ અને પાણી મૂકી દેતો અને પછી તે પોતાનું કામ શરૂ કરતો.નાનામાં નાનું કામ પણ ખૂબ જ ચીવટથી કરતો.
આવતાં જતાં કોઈ અજાણ્યા વટેમાર્ગુ તેને રસ્તો પૂછતાં કે કોઈ સરનામું પૂછતાં તો તે કામમાંથી હસીને તેમનું અભિવાદન કરી બરાબર રસ્તો સમજાવતો.આજુબાજુથી પસાર થતા ભિખારીઓને તે પૈસા નહિ, પણ પાણી અને બિસ્કીટ ખાવા આપતો.તેમની સાથે વાતો કરતો. કૈંક કામ કરવા સમજાવતો.તેમને વાતો કરતાં જોઇને કોઈને પણ ભિખારીની આંખોમાં ખુશી દેખાય કે કોઈક તો છે જે અમને હડધૂત કરતું નથી. અને મોચી જયાં બેસતો હતો તેની બરાબર સામે આવેલી મોટી જ્વેલરની દુકાનના માલિક પોતાની દુકાનના કાચની આરપારથી રોજ મોચીની આ દિનચર્યા જુએ.એક દિવસ તેઓ ઊભા થઈને તેની પાસે ગયા.
પાછળ ચોકીદાર છત્રી લઈને દોડ્યો અને બોલ્યો, ‘સાહેબ કંઈ કામ હોય તો મને કહો.’ શેઠ મોચી પાસે ગયા.મોચી તેમને જોઇને સ્મિત આપી બોલ્યો, ‘બોલો સાહેબ, શું સેવા કરું?’ માલિકે પૂછ્યું, ‘તારું નામ શું છે?’ મોચીએ કહ્યું, ‘દયારામ.’ અને પૂછ્યું, ‘સાહેબ, ચા પીશો?’ અને ચોકીદારને પણ પૂછ્યું.ચોકીદાર કંઈ બોલ્યો નહિ, પણ તેને શેઠનો જવાબ સાંભળી આશ્ચર્ય થયું.શેઠે જવાબ આપ્યો, ‘હા પીશ.’ મોચી ખુશ થઈને દોડ્યો અને ચા વાળા પાસેથી ત્રણ ચા લઈને આવ્યો.શેઠને બેસવા માટે નાનું ટેબલ આપી તેમના હાથમાં ચા આપી; ચા પીતાં પીતાં શેઠે કહ્યું, ‘ભાઈ હું મારી દુકાનના કાચની આરપારથી રોજ જ જોઉં છું.તું રોજ કૂતરાઓને ખવડાવે છે.પંખીઓને ચણ આપે છે.ભિખારીઓને મદદ કરે છે. તેમની સાથે વાતો કરે છે.બધાને હસીને જવાબ આપે છે.મને સાચે નવાઈ લાગે છે કે તું મોચીનું કામ કરીને રોજે રોજના થોડા પૈસા કમાતો હોઈશ એમાંથી તું આટલું બધું કરે છે અને હંમેશા ખુશ રહે છે.’
દયારામ મોચીએ કહ્યું, ‘સાહેબ, હું કંઈ કરતો નથી, જે કામ આવડે છે તે કરું છું.ઉપરવાળાની મહેરબાનીથી કામ કરીને રોજના એટલા રૂપિયા મેળવી લઉં છું કે કોઈ સામે હાથ લાંબો કરવો પડતો નથી અને મારાં બધાં કામ થઈ જાય છે.હું કંઈ નથી કરતો. હું કોઈ સેવા નથી કરતો. ઉપરવાળો જ મારા દ્વારા પોતે બનાવેલા જીવોનું ધ્યાન રાખે છે.’ મોચીની વાત સાંભળી શેઠે તેને નમન કર્યા અને કહ્યું, ‘આજથી તારા બધા કામ માટે મારા તરફથી પૈસા મળી જશે અને તારા માટે મારા શો રૂમની બાજુમાં નાની દુકાન બની જશે. આ હું નથી આપતો, ઉપરવાળો મારા દ્વારા તને આપે છે.’ મોચીએ અને શેઠે એકબીજાને નમન કર્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે