આણંદ : બોરસદમાં ગણેશ મહોત્સવના પગલે પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સફાઇ સાથે દવા પણ છંટકાવ કરવામાં આવી હતી. બોરસદ ખાતે ગણેશ ચતુર્થીને લઈને યુવક મંડળો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બોરસદના અનેક વિસ્તારો ખાતે ગણપતિના આગમનને લઇને જાહેર પ્રજાજોગ સહિત બોરસદ નગરપાલિકાના કાઉન્સિલર પણ કટિબદ્ધ બનીને અનેક વિસ્તારોની સાફ સફાઈની કામગીરી કરાવી રહ્યા છે. બોરસદના વોર્ડ નં 6 માં આવતા અંબા કૃપા, પુરુષોત્તમનગર સોસાયટી, શિવમનગર સોસાયટી, હરિઓમનગર સોસાયટી તેમજ તુલસીનગર અને ખપ્પર માતા દૂધ મંડળી વિસ્તાર તેમજ નાવડ, ટેકરીયાપુરા સીમવિસ્તાર અને ટાઉન હોલ જેવા અનેક વિસ્તારો ખાતે સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બોરસદ વોર્ડ નં.6 ના કાઉન્સિલર મહેશભાઈ ઠાકોરે જાતે ઉભા રહીને સમગ્ર વિસ્તારોની સાફ સફાઈની કામગીરી કરાવી હતી અને અનેક વિસ્તારો ખાતે જામેલા કચરાના ઢગને હટાવી અનેક વિસ્તારોમાં દવાનો છંટકાવ કરાવવામાં આવ્યો હતો. આ સાથે જ બોરસદમાં રોગચાળાના ભય અને મચ્છરજન્ય રોગના ભયને વચ્ચે તહેવાર ટાણે જાહેર પ્રજા બીમારીનો ભોગ ન બને આથી બોરસદ નગરપાલિકા દ્વારા અનેક વિસ્તારો ખાતે સાફ સફાઈનું અભિયાન હાથ ધરીને બોરસદની ગલીઓ, સોસાયટીઓ, સહિત રોડ રસ્તાઓની સાફ-સફાઈ કામગીરી કરીને અનેક વિસ્તારો ખાતે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.