Vadodara

73 કરોડની સરકારી જમીનને સિટી સર્વેમાં ખાનગી વ્યક્તિના નામે ચઢાવી દેવાના કારસ્તાનનો પર્દાફાશ

વડોદરા: સરકારી જમીનોને કબ્જે કરવા ખોટા દસ્તાવેજોને કરનારા વધુ એક શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરી જમીન ટોચ મર્યાદા ધારામાં ફાજલ પડેલી સરકારી જમીનને સિટી સર્વેમાં પોતાના નામે ચઢાવી લેનાર વ્યક્તિની એન્ટ્રી રિવિઝનમાં લેવા સાથે કલેકટરશ્રીએ મનાઈ હુકમ ફરમાવ્યો છે. તાંદલજા વિસ્તારમાં સિટી સર્વે નંબર ૨૨૩, ૨૨૫, ૨૨૬, ૨૩૯ થી ઈન્કવાયરી ઓફિસરશ્રીના સને ૧૯૮૧ ના ઠરાવથી ખેતી સદરે પ્રોપર્ટી કાર્ડ અમલમાં હોવા છતાં ઉક્ત નંબરમાં માલિકી ફેરફાર નોંધો દાખલ કરવામાં આવી હતી. દંતેશ્વરની સરકારી જમીનમાં દબાણના કેસની જેમ આ કેસમાં એવું થયું કે બિન ખેતીના ૧૯૯૭ના હુકમના આધારે ચંદુભાઈ ચુંથાભાઈ માળીના નામે દાખલ કરી દેવામાં આવી હતી.

સરકારી જમીનો ઉપર કબ્જો કરવા ડોળો માંડીને બેઠેલા ભૂમાફિયાઓને ઝેર કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત રચવામાં આવેલી વિવિધ ટીમો દ્વારા નિવાસી અધિક કલેકટર ના માર્ગદર્શન હેઠળ સરકારી જમીનોની સ્થળ સ્થિતિ અને રેકર્ડ ઉપરની વિગતો અંગે ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. તેમાં ઉક્ત હકીકતો ખૂલી છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થયેલી તપાસમાં એવી હકીકતલક્ષી વિગતો પ્રકાશમાં આવી છે કે, મૂળ રે.સ.નં.૩૨૭/૧, ૩૨૮, ૩૩૦, ૩૩૩ના હાલના ૭/૧૨ જોતાં સદર જમીનમાં માલિકી હકકે શ્રી સ૨કા૨નું નામ તા.૧૫/૧૧/૨૦૧૧ નોંધ નં.૪૦૦૦ થી ગામ નમુના નં.૬ માં સર્વે નંબર ૩૨૭/૧ પૈકી, ૩૨૮/૧, ૩૩૦, ૩૩૩/૧ વાળી જમીનો શ્રી સ૨કા૨ ચાલે છે.

આમ છતાં સિટી સર્વેમાં ખાનગી વ્યક્તિનું નામ કેવી રીતે દાખલ થયું ? તેની તપાસમાં ૧૯૯૭ ના બિન ખેતીના હુકમના આધારે ઉક્ત એન્ટ્રી પાડવામાં આવી હતી અને કલેકટર કચેરીમાં આવા કોઈ હુકમ થયા ના હોવાની વિગતો ધ્યાને આવી હતી. એનો મતલબ કે બોગસ આદેશના આધારે ૪૫૨૨૭ ચોરસ મીટર સરકારી જમીન અંગે સિટી સર્વેમાં ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરવામાં આવ્યું હતું. આ જમીનની જંત્રી પ્રમાણે કિંમત ગણવામાં આવે તો રૂ.73 કરોડ જેટલી થાય છે.કલેકટરશ્રીએ ઉક્ત જમીનમાં મનાઈ હુકમ ફરમાવી એન્ટ્રી રિવિજનમાં લેવાનો હુકમ કર્યો છે. જરૂર પડ્યે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે. આવી જમીન ખરીદ ના કરવા અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top