મહીસાગર: રાજ્યના મહીસાગર જિલ્લામાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં વરઘોડામાં જાનૈયાઓ મસ્તીથી નાચી રહ્યાં હતાં ત્યારે સામેથી ફૂલસ્પીડમાં આવેલી કાર તેમને કચડીને ધસમસતી નીકળી ગઈ હતી. અંદાજે 20 જેટલાં જાનૈયાઓ કાર નીચે કચડાઈ ગયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. જે લોકોએ આ દ્રશ્ય જોયું તેઓને જાણે યમરાજ સાક્ષાત જોઈ લીધા હોય તેવો અનુભવ થયો હતો. પળભરમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે.
- બાલાસિનોર શહેરમાં હીટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના
- સામેથી આવતી કાર જાનમાં ઘૂસી જતા જાનૈયાઓ હવામાં ફંગોળાયા
- અકસ્માતમાં 20થી વધુ ઘાયલ, એકનું મોત: કાર ચાલક પણ ઈજાગ્રસ્ત
મહીસાગર જિલ્લામાં બાલાસિનોર નજીક બુધવારે મોડી રાત્રે ઢોલ-નગારા અને ડીજેની ટ્યૂન પર જાનૈયાઓ રસ્તામાં નાચી રહ્યાં હતાં. આગળ ડીજેનો ટેમ્પો ચાલતો હતો અને પાછળ જાનૈયાઓ નાચી રહ્યાં હતાં. ચારેતરફ અંધારું હતું, માત્ર વરરાજાની જાન પાસે રોશની ઝળહળી રહી હતી. ત્યારે સામેથી એક કાર ફૂલસ્પીડમાં આવી હતી અને જાનની વચ્ચેથી નીકળી ગઈ હતી. કાર ચાલકે બિલકુલ બ્રેક મારી નહોતી. તેથી જાનમાં નાચતા ઝૂમતા જાનૈયાઓ કચડાઈ ગયા હતા. જ્યાં ગીતો ગુંજી રહ્યાં હતાં ત્યાં પળભરમાં મરણ ચીસો ગૂંજવા લાગી હતી. ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. ઉતાવળમાં વર અને કન્યા પક્ષના લોકોએ ભેગા મળીને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા. આ સાથે જ આ ભયાનક અકસ્માતનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે.
આ ઘટના બુધવારની રાત્રે લગભગ 12થી 1 વાગ્યાની વચ્ચે બની હતી. બાલાસિનોર શહેરમાંથી વરઘોડો પરત ઘરે ફરી રહ્યો હતો ત્યારે સેવાલિયા રોડના પેટ્રોલ પંપ પાસે સેવાલિયા બાજુથી એક સફેદ કલરની સ્વિફ્ટ કાર પૂરઝડપે આવી વરઘોડામાં ઘૂસી ગઈ હતી. માતેલા સાંઢની જેમ વરઘોડામાં ઘૂસેલી કારે 20થી 25 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું છે. તે મહિલાનું નામ મણીબેન વાઘેલા હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને નડિયાદ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જનાર કાર ચાલકને પણ ઈજા થઈ છે. પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.