સુરત: બારડોલીના (Bardoli) ગ્રામીણ રોડ પર દીપડો (Leopard) લટાર મારતો દેખાયો છે. એક કાર ચાલકે દીપડાનો વીડિયો ઉતારી વાયરલ (ViralVideo) કરતા વન વિભાગ (Forest Department) દોડતું થયું છે. દરમિયાન દીપડાએ બારડોલીના બામણી ગામમાં બે શ્વાન અને અકોટી ગામમાં વાછરડાંનો શિકાર કરતા ગ્રામજનોમાં ભય વ્યાપી ગયો છે.
બારડોલીના બામણી ગામે માહ્યાવંશી મહોલ્લામા દીપડા લટાર મારતા લોકો એ વન વિભાગની મદદ માંગી છે. એટલું જ નહીં પણ માહ્યાવંશી મહોલ્લામા બે શ્વાનનો શિકાર કરી જતા લોકોમાં ભય નો માહોલ ઉભો થયો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અકોટી ગામમા પણ દીપડા ના આંટાફેરા અને કોઠારમાં બાંધેલા વાછરડાનો શિકાર કરતા લોકો રાત્રી દરમિયાન જાગી ને પોતાની, પરિવાર ની અને પશુઓની રખેવાળી કરવા મજબુર બન્યા છે. ગ્રામ્ય વિસ્તારના માર્ગ પર દીપડાની લટાર મારતો વિડિઓ એક કાર ચલાકે બનાવતા હવે વન વિભાગ દોડતું થઈ ગયું છે.
સુધાબેન (RFO) એ જણાવ્યું હતું કે બામણી અને અકોટી ગામમાં દીપડો દેખાયો હોવાની માહિતી મળી છે. ગ્રામજનોએ પણ દીપડાને પકડવા રજૂઆત કરી છે. તેથી એક કિલો મીટરના વિસ્તારમાં બે પાંજરા મૂકી દેવાયા છે. ખાસ કરી દીપડો ખોરાકની શોધમાં જ રાત્રે લટાર મારવા નીકળતા હોય છે. બામણી ગામે શ્વાનનો શિકાર કર્યો હોવાનું કન્ફર્મ થયું છે. પરંતુ અકોટી ગામે વાંછરડાના શિકારની વાતને સમર્થન મળ્યું નથી. તેની તપાસ ચાલી રહી છે. હાલ જે દીપડો દેખાયો છે તેનો વિડીયો જોયા બાદ તેની ઉંમર 3-4 વર્ષ ની હોય એમ લાગે છે. જોકે પાંજરા મૂકી દેવાથી દીપડો ખોરાકની શોધમાં આવે તો પકડાઈ જશે એવી આશા છે. બે દિવસમાં બીજી વાર અકોટી ગામમાં દીપડો દેખાતા ગ્રામવાસીઓમાં ભયનો માહોલ છે.