સુરત: ડિંડોલી બાદ કાપોદ્રામાં પણ એક બેફામ કાર ચાલક દ્વારા રસ્તા પર ચાલી રહેલા પતિ–પત્ની અને બે બાળકોને અડફેટે લેતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. દુર્ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં કારચાલક વિરૂદ્ધ લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. કાપોદ્રા પોલીસ દ્વારા હાલ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સૂત્રો પાસેથી જાણા મળતી માહિતી અનુસાર 28મીએ રાત્રે 9.30 કલાકના સુમારે કાપોદ્રામાં નાયરા પેટ્રોલ પંપ પાસે પતિ અને પત્ની પોતાની બે માસુમ બાળકી સાથે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન તેમની પાછળથી આવેલા બેફામ કારના ચાલકે અડફેટે લેતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
દુર્ઘટનાને પગલે કાર ચાલક તાત્કાલિક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. બીજી તરફ દંપત્તિ સહિત બન્ને પુત્રીઓને અડફેટે લેનાર કાર ચાલક વિરૂદ્ધ લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો. સમગ્ર દુર્ઘટનાનો સીસીટીવી વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ દ્વારા કાપોદ્રા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડીંડોલીમાં શાકભાજીવાળાને ટક્કર મારી કાર સડસડાટ દોડી ગઈ, શાકભાજીવાળાનું મોત
ડિંડોલી વિસ્તારમાં આવેલા પ્રિયંકા-2ની બાજુમાં આવેલી સાંઈ સોસાયટીમાં રહેતો 20 વર્ષિય અંકિતભાઈ વસંતલાલ ગુપ્તા શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. અંકિત રવિવારે સાંજે ડિંડોલી વિસ્તારમાં આવેલા આરજેડી પ્લાઝા પાસેથી લારી લઈ જઈ રહ્યો હતો.
દરમિયાન અજાણ્યા કારચાલકે લારીને ટક્કર મારી હતી, જેમાં અંકિતને ગંભીર ઇજા પહોંચતાં તેને સૌપ્રથમ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લવાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ આ સમગ્ર બનાવને પગલે પોલીસે વાહનચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુની તપાસ શરૂ કરી છે.
વેડ રોડના વૃદ્ધનું અજાણ્યા વાહન અડફેટે મોત
સુરત: વેડ રોડ ખાતે રહેતા એક વૃદ્ધ ભરીમાતા રોડ પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અજાણ્યા વાહનચાલકે તેને ટક્કર મારી હતી. જેમાં તેનું ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ વેડ રોડ ખાતે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા 60 વર્ષિય છોટેલાલ મોતીલાલ યાદવ પંડોળ ખાતે લૂમ્સના કારખાનામાં મજૂરીકામ કરી પત્ની સહિત બે પુત્ર અને પુત્રીનું ભરણપોષણ કરી રહ્યા હતા. છોટેલાલ પોતાના નિત્યક્રમ મુજબ સોમવારે ભરીમાતા રોડ ટૂંકી તલાવડી નજીક પગપાળા ચાલીને નોકરી પર જઈ રહ્યા હતા.
દરમિયાન અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં તેને ગંભીર ઇજા પહોંચતાં આસપાસના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ત્યારબાદ પરિવારને જાણ થતાં પોલીસને જાણ કરાઈ હતી. વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ આ બનાવને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.