સુરત (Surat): સરથાણાના વાલક પાટીયા પાસે નંબર પ્લેટ વગરની એક્ટીવામાં વિદેશી દારૂની હેરાફેરી કરી પોતાના મકાનમાં જ દારૂનો સંગ્રહ કરનાર યુવકને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. પોલીસે 83 હજારના દારૂ સાથે યુવકની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે શહેરમાં દારૂની રેલમછેલ જોવા મળી હતી. જ્યાં જોવો ત્યાં દારૂના ઊંચા ભાવો સાંભળવા મળ્યા હતા. પોલીસે બુટલેગરોને પકડવા માટે પેટ્રોલીંગ પણ વધાર્યું હતું. દરમિયાન કામરેજના વાલક પાટીયા પાસે ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે, કામરેજના રોયલ રેસીડેન્સીમાં રહેતો યુવક પોતાની મોપેડમાં દારૂની બોટલો લઇ જઇ રહ્યો છે. પોલીસે તેના આધારે વાલક
પાટીયાના સાગવાડી ફાર્મની સામે જ નંબર પ્લેટ વગરની એક્ટીવા ચાલક યુવકને અટકાવ્યો હતો. પોલીસે તેનું નામ પુછતા તે કામરેજમાં રહેતો અને તેનું નામ મનીષ કનુભાઇ દૂધાત હતુ. પોલીસે એક્ટીવાની ડીકી તપાસ કરતા તેમાંથી 55 બીયર તેમજ 86 વિદેશી દારૂની બોટલો ઉફરાંત એક્ટીવા મળીને કુલ્લે રૂા. 86 હજારની મતા કબજે કરી હતી. પોલીસની વધુ પુછપરછમાં રાજુ ચીકનાએ દારૂનો માલ આપ્યો હોવાનું બહારઆવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે ઉત્તરાયણમાં શોર્ટકર્ટમાં રૂપિયા કમાવવાની લ્હાયમાં દારૂનો વેપાર શરૂ કરવામાં આવ્યો હતો અને ઉત્તરાયણમાં દારૂના વધારે ભાવ પણ વસૂલાયા હોવાનું કહેવાય છે. હાલ તો પોલીસે મનીષ દૂધાતની ધરપકડ કરી હતી જ્યારે રાજુ ચીકનાને વોન્ટેડ જાહેર કરી વધુ પુછપરછ શરૂ કરી છે.