સુરત(Surat): છેલ્લાં કેટલાંય સમયથી હાર્ટ એટેકથી મોતના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થયો છે, ત્યારે આજે સુરત મહાનગરપાલિકાના (SMC) ભાજપના (BJP) યુવાન કોર્પોરેટરનું હૃદય રોગના હુમલાના લીધે મોત થયું હોવાની ઘટના બની છે.
સુરત મહાનગર પાલિકાના ભાજપના કાઉન્સિલર ગેમર દેસાઈ (Ghemar Desai Death) આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે તેમને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને તેઓ ઘરમાં જ ઢળી પડ્યા હતા. નીચે પડવાના કારણે ગેમર દેસાઈને માથામાં ઈજા થઈ હતી. તાત્કાલિક તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે ગેમર દેસાઈને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ તેમનું મૃત્યુ હાર્ટ એટેકના (Heart Attack) કારણે થયું છે.
ત્રીજી વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા
ગેમર દેસાઈ શાંત અને મળતાવડા સ્વભાવ માટે જાણીતા હતા. તેઓ ભાજપમાંથી ત્રીજી વખત સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં. 18 (લિંબાયત-પરવત-કુંભારિયા)ના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. ગેમર દેસાઈના અવસાનના સમાચાર ફેલાતા શહેરના રાજકીય વર્તુળમાં સોંપો પડી ગયો હતો. ભાજપના વરિષ્ઠ કોર્પોરેટર અને રબારી પશુપાલન સમાજના આગેવાન ગેમર દેસાઈના અવસાનના સમાચારને પગલે શોક વ્યાપી ગયો હતો.
ભાજપના કાઉન્સિલરના મોતના સમાચાર સાંભળતા જ મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને અન્ય આગેવાનોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તમને જણાવી દઈએ કે આ કાર્યકાળ દરમિયાન થોડા મહિનાઓ પહેલા બીજેપી કાઉન્સિલર જયેશ જરીવાલાનું પણ હાર્ટ એટેકથી નિધન થયું હતું. આજે ફરી બીજેપી કાઉન્સિલરનું હાર્ટ એટેકથી મોત થયું છે.
ગેમર દેસાઈનો પાર્થિવ દેહ મહેસાણા લઈ જવાશે
સુરત મનપાના કોર્પોરેટર ગેમર દેસાઈનું મૂળ વતન મહેસાણા છે. તેઓ મહેસાણા નજીકના સિદ્ધપુરના વતની હતા. તેમના પાર્થિવ દેહને મહેસાણા લઈ જવામાં આવશે અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.