દાહોદ : દાહોદમાં કોરોનાના ત્રણ પોઝીટીવ દર્દી કેટલાયે સમય પછી નોંધાયા છે.બીજી તરફ ઓમિક્રોનનુ જોખમ પણ ઝળુંબી રહ્યુ છે ત્યારે દાહોદની ઝાયડસ હોસ્પીટલને ફરીથી કોરોના જંગ લડવા સુસજ્જ કરી દેવામાં આવી છે.એક આખી બિલ્ડીંગને જ ફરીથી અનામત રાખી દેવામાં આવી છે.જો કે ત્રીજી લહેર નહી આવે તેના માટે સાૈ આશાવાદી દેખાઇ રહ્યા છે. દાહોદ જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 7143 લોકો કોરોનાની સારવાર લઇ ચુક્યા છે.
જેમાંથી 6804 દર્દીઓ સ્વસ્થ થયા હતા જ્યારે કુલ મૃત્યુ 339 નોંધાયા છે.જેમાંથી કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તેવા ફક્ત 7 જ બતાવાયા છે જ્યારે અન્ય 332 દર્દીઓ કોરોના અને તેના સિવાયની અન્ય બીમારીઓને કારણે મોતને ભેટ્યા હોવાનુ દર્શાવાયુ છે.બીજી તરફ છેલ્લા કેટલાયે દિવસોથી કે જન સામાન્યને યાદ ન હોય તેવી તારીખથી એક પણ કોરોનાનો દર્દી શહેર તથા જિલ્લામાં નોંધાયો નથી. સ્થિતિ સંપૂર્ણ સામાન્ય થઇ જતાં કોરોના માર્ગદર્શિકા કોરાણે મુકાઇ ગઇ છે અને ટોળાં,ભીડ અને ઉજવણીઓ બધુયે સામાન્ય થઇ ગયુ છે.
જેમાં રાજકીય, સરકારી અને સામાજીક તમામ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.નેતાઓ અને અધિકારીઓના માસ્ક પણ મિડીયા જગત પુરતા મર્યાદિત થઇ ગયા છએ.તેવા સમયે જ ઓમિક્રોને દસ્તક દેતાં દુર દુર સુધી તેના કંપનો અનુભવાઇ રહ્યા છે. દાહોદ શહેરમાં પણ એખ જ સમુદાયના ત્રણ વ્યક્તિઓ દુબઇથી વાયા રાજસ્થાનથી આવ્યા છે અને તે ત્રણેય કોરોના પોઝીટીવ છે.તેમના સંપર્કમાં આવેલા 5 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ છે ત્યારે આ ત્રણેય પોઝીટીવ ઓમિક્રોનથી સંક્રમિત છે કે કેમ તેની ચકાસણી માટે સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે.
બીજી તરફ દાહોદની ઝાયડસ હોસ્પીટલ કે બીજી લહેરમાં કેટલાયે ગરીબો અને માલેતુજારો માટે સંજીવની સાબિત થઇ ચુકી છે તેમાં ફરીથી કોરોના વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જુના કોોવિડ બિલ્ડીંગને ધોઇને સ્વચ્છ કરીને આઇસીયુ બેડ પણ લગારી દેવાયા છે.આ પહેલા ત્રીજી લહેરમાં બાળકો પ્રભાવિત થવાની સંભાવનાઓને કારણે આ જ બિલ્ડીંગના ભોંય તળિયે બાળકોને પ્રિય એવા રંગબેરંગી કાર્ટુન અને ચિત્રો પણ પેઇન્ટ કરાવેલા હતા તે તમામ વોર્ડ પણ સુસજ્જ કરી દેવાયા છે.હાલ 500થી વધુ બેડ તૈયાર રખાયા હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ છે.