Madhya Gujarat

ડેરોલ સ્ટેશનના બંધ ફાટક પાસે યુવક ટ્રેનની અડફેટે આવી જતાં મોત નીપજ્યું

કાલોલ: કાલોલ શહેર પાસે આવેલા ડેરોલ સ્ટેશન સ્થિત પાછલા ચાર વર્ષોથી બંધ પડી રહેલા રેલવે ઓવરબ્રિજને પગલે બંધ પડેલા ફાટક પાસે શનિવારે સાંજે રેલવે લાઇન ક્રોસ કરવા જતો એક યુવક ઘસમસી જતી અવધ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાની કરૂણ ઘટનાને પગલે લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ નજીકના શામળદેવી ગામનો યુવક નામે જયદીપકુમાર મનહરભાઈ સોલંકી (ઉંમર ૨૧ વર્ષ) છુટક મજુરી કામ કરીને ગુજરાન ચલાવતો હોય શુક્રવારે સાંજે તેના કોઈ અંગત કામે ઘેરથી ડેરોલસ્ટેશન તરફ નિકળ્યો હતો.

જે કામ પતાવીને સાંજે આઠ વાગ્યાના સુમારે રેલવે લાઇન ક્રોસિંગ કરવા સમયે એ સમયે પુરપાટ આવતી અવધ એક્સપ્રેસ ટ્રેન સાથે કોઈ અગમ્ય કારણોસર અડફેટે આવી જતાં ફંગોળાઈ ગયો હતો. આ અકસ્માતને ભોગે જયદીપ સોલંકીના માથાના ભાગના ફુરચેફુરચા ઉડી જતા ઘટના સ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. જોકે સાંજના આઠ વાગ્યાના સુમારે ઘટેલી અકસ્માત ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા જેમાં ઘણા નજીકમાં આવેલી નાની શામળદેવી ગામના આ જયદીપકુમાર સોલંકી નામના યુવકને ઓળખતા હોવાથી જાણકારીને પરિવારજનો સહિત ગામલોકો પણ દોડી આવ્યા હતા .

અને સમગ્ર ઘટના અંગે રેલ્વે સ્ટેશન મારફતે રેલવે પોલીસને જાણ કરી હતી. જેથી રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત ઘટના અંગેની તપાસ હાથ ધરી છે. ડેરોલસ્ટેશન સ્થિત મુખ્ય ફાટક પર ૨૦૧૭માં રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ચાલુ કરી હતી જેથી એ સમયથી રેલવે ફાટકને બંધ કરવામાં આવ્યું છે પરંતુ તંત્રની આંતરિક ખટપટને કારણે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી બંધ પડી રહેતા છેવટે સ્થાનિક લોકોને બંધ ફાટક પાસે ખુલ્લી અને ભયજનક રીતે રેલવે લાઇન ક્રોસ કરવા માટે મજબૂર બની રહ્યા છે. દિવસ રાત હજારો વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો ખુલ્લા લાઇન ક્રોસ કરતા હોવાથી ગત વર્ષે રેલવે તંત્ર દ્વારા નજીકમાં એક અંડરગ્રાઉન્ડ નાળુ પણ મંજૂર કરવામાં આવ્યું હતું પરંતુ રેલવે તંત્રની બેદરકારીને કારણે નાળાનું કામકાજ પણ પાછલા છ મહિનાથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

Most Popular

To Top