કોરોનાના સમયગાળા પછી ખાસ કરીને 3 થી 12 વર્ષના બાળકોમાં આંખના રોગોના પ્રમાણમાં 30 થી 50 ટકાનો વધારો નોંધાયો છે. વધુ પડતા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ બાદ બાળકોમાં આ સમસ્યા વધી છે. તેવું ઓલ ગુજરાત ઓપ્થલમોલોજિકલ સોસાયટીના ચેરમેન ડો.પરીમલ દેસાઈએ જણાવ્યું હતું.
ઓલ ગુજરાત ઓપ્થલમોલોજિકલ સોસાયટીના ચેરમેન ડો પરિમલ દેસાઇ અને ડોક્ટર જગદીશ રાણાએ જણાવ્યું હતું કે, કોરોનાના સમયગાળા દરમિયાન આઉટડોર એક્ટિવિટી સંપૂર્ણ બંધ થવાને કારણે ખાસ કરીને 3 થી 12 વર્ષના બાળકો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણનો વધુ પડતો ઉપયોગ કરતા હોવાથી બાળકોમાં આંખના રોગનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધ્યું છે. સાથે સાથે ઓનલાઈન શિક્ષણથી બાળકોમાં ચશ્મા આવવાની તકલીફોમાં પણ ખૂબ મોટો વધારો નોંધાયો છે.
આગામી તારીખ 9 અને 10 ના રોજ અમદાવાદમાં ઓલ ગુજરાત ઓપ્થલમોલોજીકલ સોસાયટીની 48મી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી 1500 થી વધુ આંખના નિષ્ણાત સર્જનો ભાગ લેશે. બે દિવસના પરિસંવાદમાં મોતિયો અને આંખમાં પડદાના રોગની અત્યાઆધુનિક સારવાર અને સર્જરી અંગે માર્ગદર્શન આપવામાં આવશે.