સુરત: અચાનક હાર્ટએટેક (Heart Attack) આવવાના અને તેમાં નાગરિકો સીધા જ મોતને ભેટવાના કેસોમાં સમગ્ર ગુજરાતમાં (Gujarat) ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે, ક્રિકેટ રમતાં યુવાનો, જીમમાં કરસત કરતાં યુવાનો અને હવે તો હાલતાં-ચાલતા-બેઠેલાં નાગરિકો પણ મિનિટોમાં મોતને ભેટી રહ્યાં છે.
- ગુજરાતમાં હાર્ટએટેકથી મૃત્યુ થવાની ઘટનાઓ ચોંકાવનારી રીતે વધી રહી છે: સુરતમાં મહિલા અને યુવકનું મોત
- સચીનના કનકપુરમાં રહેતા નયના રાઠોડ લગ્નપ્રસંગમાં હાજરી આપીને આવ્યા બાદ ટીવી જોતા હતા ત્યારે અચાનક એટેક આવ્યો, જ્યારે તિલક સોસાયટીમાં રહેતા વિકાસને જમ્યા બાદ પેટમાં દુ:ખાવો થયા બાદ શ્વાસ લેવામાં તકલીફ થઈ અને ઢળી પડ્યો
સુરતમાં પણ છેલ્લાં કેટલાક સમયથી આવી અનેક ઘટનાઓ સામે આવી છે, ફરી એકવખત આવી જ ઘટનામાં બે વ્યકિતઓ પોતાના જીવ ગુમાવ્યા છે. સચીનના અલગ-અલગ વિસ્તારમાં એક મહિલા અને એક યુવકને હાર્ટ એટેક આવતા બંનેનું મોત નિપજ્યું હતું. મહિલા ટીવી જોતા હતા ત્યારે તેમને શ્વાસની તકલીફ સાથે અચાનક એટેક આવ્યો હતો. જ્યારે યુવકને રાત્રે જમ્યા બાદ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી અને પેટમાં દુ:ખાવો થયા બાદ મૃત્યુ પામ્યો હતો.
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર સચીનના કનકપુર વિસ્તારમાં 46 વર્ષિય નયના શૈલેશ રાઠોડ ગતરાત્રે સોસાયટીમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ઘરે ફર્યા હતા. નયનાબેન ઘરમાં ટીવી જોઈ રહ્યાં હતા. તેવામાં અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા તેઓ ત્યાંજ ઢળી પડ્યા હતા. પરિવારજનો તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
અન્ય એક બનાવમાં સચીન વિસ્તારમાં તિલક સોસાયટીમાં વિકાસ જગદીશ લાખલાલ( 27 વર્ષ)નામનો યુવાન તેના બહેન બનેવી સાથે રહેતો હતો. એક મહિના પહેલા તે રોજગાર માટે સુરત આવ્યો હતો. અહીં ટેક્સટાઈલના ખાતામાં કામ કરતો હતો. વિકાસના સંબંધી રાજેન્દ્રએ જણાવ્યું હતું કે રાત્રે જમ્યા બાદ વિકાસને પેટમાં દુ:ખાવો શરૂ થયો હતો. ત્યારબાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બંને કેસમાં પોલીસે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે.