અમદાવાદ: શનિવારે તા. 7મી જાન્યુઆરીની વહેલી સવારે ફાયર બ્રિગેડની ગાડીઓના કાન ફાડી નાંખતા સાયરને અમદાવાદના (Ahmedabad Fire) લોકોની ઊંઘ ઉડાડી મુકી હતી. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના સાતમા માળે આગ લાગતા આખાય શહેરની ફાયર બ્રિગેડ બંબા લઈ દોડી ગઈ હતી. એક સાથે 15 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જે ઘરમાં આગ લાગી હતી તે ઘરમાં 5 લોકો ફસાયેલા હતા, તેઓને ફાયર બ્રિગેડે મહામહેનતે બહાર કાઢ્યા હતા. તેમ છતાં અંદર એક સગીર યુવતી ફસાઈ ગઈ હતી. આ 15 વર્ષીય કિશોરીને ફાયરબ્રિગેડે મહામહેનતે બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તેનું ગંભીર રીતે દાઝી જવાના લીધે મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે શનિવારે સવારે 7.28 કલાકે અમદાવાદની ફાયર બ્રિગેડને શાહીબાગ ગિરધર નગર સર્કલ પાસે આવેલા ઓર્ચિડ ગ્રીન એપાર્ટમેન્ટના (Orchid Green Fire) સાતમા માળના ફ્લેટમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. તેથી ફાયર બ્રિગેડના બંબા અને એમ્બ્યુલન્સ સહિત 15 વાહનો રવાના થયા હતા. રેસ્ક્યુ ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
ઘરમાં રહેતા પરિવારના પાંચ સભ્યો બહાર નીકળી ગયા હતા, પરંતુ એક રૂમમાં 15 વર્ષની પ્રાંજલ ઉર્ફે પ્રાચી નામની સગીરા ફસાઈ ગઈ હતી. તેથી ફાયર બ્રિગેડના જવાનોએ આગની વચ્ચેથી રૂમમાં જઈ તે કિશોરીને બચાવી હતી.કિશોરીને બચાવવા માટે ફાયર બ્રિગેડના જવાનો પહેલાં આઠમા માળે પહોંચ્યા હતા. ત્યાંથી દોરડું બાંઘી ફાયરના બે જવાન દોરડાની મદદથી સાતમા માળે જે ફ્લેટમાં આગ લાગી હતી ત્યાં પહોંચ્યા હતા.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
આગમાં ફસાયેલી કિશોરી રૂમની બાલ્કનીમાં જતી રહી હતી. એક ખૂણામાં તે ટૂંટિયું વળીને બેસી ગઈ હતી, પરંતુ તેના રૂમમાંથી જવાળાઓ આગ ઓકી રહી હતી. એપાર્ટમેન્ટનો સાતમો માળ હોય કિશોરી ક્યાંય જઈ શકે તેમ પણ નહોતું. ફાયરના જવાનોએ રૂમમાં જઈ તેને બહાર કાઢી પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. આગની વચ્ચેથી મકાનની અંદર જઈ દરવાજો તોડી કિશોરીને બહાર કાઢી હતી. આગના કારણે સગીરા દાઝી ગઈ હોઈ તેને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી. સારવાર દરમિયાન કિશોરીનું મોત નિપજ્યું હતું. આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી.