મોસ્કો: અમેરિકામાં નાના બાળકો દ્વારા આડેધડ ફાયરિંગની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે પરંતુ આ વખતે રશિયામાં ફાયરિંગની ઘટના બની છે. રશિયાની એક સ્કૂલમાં 14 વર્ષની વિદ્યાર્થીનીએ આડેધડ ગોળીબાર કર્યો હોવાનો બનાવ બન્યો છે. આ ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ વિદ્યાર્થીનીએ પોતે આપઘાત કરી લીધો હતો.
રશિયાની સમાચાર એજન્સીઓ અને સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, એક રશિયન શાળાની 14 વર્ષીય છોકરીએ ગુરુવારે તેના ઘણા સહપાઠીઓને બંદૂક વડે ગોળી મારી હતી, જેમાં એક સહપાઠીનું મૃત્યુ થયું હતું અને અન્ય પાંચ ઘાયલ થયા હતા.
રશિયાની તપાસ સમિતિએ જણાવ્યું હતું કે ગોળીબાર યુક્રેનની સરહદે આવેલા પ્રદેશમાં બ્રાયનસ્કની એક શાળામાં થયો હતો.
ઘાયલોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
રશિયન રાજ્ય સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્ટીએ જણાવ્યું હતું કે, ઘાયલ લોકોમાંથી એકની હાલત ગંભીર છે.
રિયા નોવોસ્ટી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં હુમલા દરમિયાન બાળકોને બેરિકેડેડ ડેસ્ક અને ખુરશીઓ સાથે દરવાજાની પાછળ વર્ગખંડમાં ગભરાયેલા દર્શાવવામાં આવ્યા હતા.
રશિયાની તપાસ સમિતિએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, 14 વર્ષની છોકરી શાળામાં પંપ-એક્શન શોટગન લઈને આવી હતી, જેનો ઉપયોગ તેણી તેના ક્લાસના મિત્રો પર ગોળીબાર કરવામાં કર્યો હતો.
આરઆઈએ નોવોસ્ટીએ જણાવ્યું હતું કે, છોકરીના પિતાને સાક્ષી તરીકે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. ટેલિગ્રામ ચેનલ શૉટના અહેવાલ મુજબ, તપાસકર્તાઓ તેને પૂછવા માંગતા હતા કે, તેમની પુત્રી પાસે બંદૂક કેવી રીતે આવી.
રાષ્ટ્રપતિના ચિલ્ડ્રન્સ રાઇટ્સ કમિશનર, મારિયા લ્વોવા-બેલોવાએ તેમની ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે, તે ઘાયલ બાળકોની સંભાળની દેખરેખ કરી રહી છે.
રશિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે તે ગોળીબારના હેતુની તપાસ કરી રહ્યું છે, જે તાજેતરના વર્ષોમાં દેશમાં શાળામાં થયેલા ગોળીબારમાંની એક છે.