આણંદ : આણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની જમીન લે – વેચ કરતા ખેડૂતોને નામ ચડાવવા લાંબો સમય સુધી રાહ જોવી નહીં પડે. કારણ કે ગ્રામ્ય મામલતદાર દ્વારા નવો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે નોંધાતા ખેતીના દસ્તાવેજોની સીધી એન્ટ્રી રેવન્યુ કોર્ડમાં દાખલ થાય તેવી પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી છે.
આણંદમાં ખેતીની જમીનના દસ્તાવેજોની નોંધણી સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે કરવામાં આવે છે, બાદમાં દસ્તાવેજની નકલ સાથે મામલતદાર કચેરી ખાતે નોંધ દાખલ કરવાની થતી હોય છે. આ પધ્ધતિમાં રાજ્ય સરકાર દ્વારા સુધારો કરી સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે નોંધાતા ખેતીના દસ્તાવેજોની સીધી એન્ટ્રી રેવન્યુ કાર્ડમાં દાખલ થાય તેવી પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે.
જેને ધ્યાને લઈ આણંદ કલેકટર ડી.એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ આણંદ (ગ્રામ્ય) તાલુકાના અરજદારોને વધુ સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી અરજદારોએ રજુ કરેલા દસ્તાવેજોની નોંધણી બાદ મોકલવામાં આવતી જમીન મહેસુલ કાયદાની કલમ 135-ડી મુજબની નોટીસ દસ્તાવેજોની નોંધણીના દિવસે જ અરજદારોને રૂબરૂમાં મળી જાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેને કારણે નોટીસ ન બજવાના કિસ્સામાં નોંધ નામંજૂર થવાના કિસ્સા બંધ થશે, તેમજ ત્વરીત નોટીસ બજવાના કારણે નિયત સમય મર્યાદામાં ફેરણી નોંધનો નિર્ણય થઈ શકશે.
નોટિસ ન બજવાના કિસ્સામાં નોંધ નામંજૂર થવાના કિસ્સા બંધ થશે
‘અત્યાર સુધી જમીનના દસ્તાવેજોની નોંધણી કર્યાના એક અઠવાડિયામાં 135-ડી મુજબની નોટીસની બજવણી કરવામાં આવતી હતી, પરંતુ હવેથી દસ્તાવેજોની નોંધણીની સાથે તે જ દિવસે અરજદારોની સહી મેળવીને નોટીસ બજાવવાની પ્રથા અમલમાં મુકવામાં આવેલ છે. જેના કારણે નોટિસ ન બજવાના કિસ્સામાં નોંધ નામંજૂર થવાના કિસ્સા બંધ થશે તેમજ જમીન ખરીદનાર વ્યક્તિ સરળતાથી પોતાનું નામ રેવન્યુ રેકર્ડમાં દાખલ કરાવી શકશે.’ – ડી.એસ. ગઢવી, કલેક્ટર, આણંદ.
દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ખુબ જ ઝડપી થશે
‘ખેતીની જમીનના દસ્તાવેજોની સબ રજીસ્ટ્રાર કચેરી નોંધણી થયા બાદ ઇ-ધરા કેન્દ્રમાં તેની નોંધ જનરેટ થાય છે, ત્યાર બાદ રેવન્યુ તલાટી દ્વારા 135-ડી મુજબની નોટીસની બજાવવામાં આવે છે. કોઇ કારણસર અથવા સમય મર્યાદામાં આ નોટીસ ના બજે તો નોંધનો નિર્ણય લેવામાં વિલંબ થતો હોય છે તેમજ 135-ડી નોટીસના બજવાના કિસ્સામાં નોંધનો નિર્ણય નામંજુર પણ થતો હોય છે. જેના લીધે પક્ષકારોને તકલીફ પડતી હોય છે. આ તકલીફ નિવારવા માટે આણંદ તાલુકામાં ખેતીની જમીનના દસ્તાવેજોની નોંધણીની સાથે જ તે જ દિવસે નોટીસ બજાવવામાં આવશે, જેના લીધે દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ખુબ જ ઝડપી થશે.’ – પાર્થ ગોસ્વામી, મામલતદાર, આણંદ (ગ્રામ્ય)