Surat Main

ફાયરીંગ લાઈવ: સુરતના આ વિસ્તારમાં જ્વેલર્સની દુકાન પર ખુલ્લેઆમ 3 રાઉન્ડ ફાયરીંગ, સીસીટીવીમાં ઘટના કેદ થઈ

સુરત: સુરત (Surat) શહેરમાં ગુનેગારો (Criminals) બેફામ બન્યા છે. દારૂ, ચેઈન સ્નેચીંગ, ડ્રગ્સ અને હવે ખુલ્લેઆમ ફાયરીંગની (Firing) ઘટનાઓ સામે આવી રહી છે. અહીંના સરથાણા (Sarthana) વિસ્તારના એક જ્વેલર્સની (Jewelers Shop ) દુકાન પર એક અજાણ્યા શખ્સે ફાયરીંગ કર્યું હોવાનો બનાવ બન્યો છે. જ્વેલર્સના શો રૂમના કાચ પર અજાણ્યાએ 3 રાઉન્ડ ફાયરીંગ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણા વિસ્તારમાં સુખારામ જ્વેલર્સનો શો રૂમ આવેલો છે. અહીં અજાણ્યા ઈસમે આવી બિન્ધાસ્ત કોઈના પણ ડર કે ધાક વિના ખુલ્લેઆમ શોરૂમના કાચ પર ફાયરીંગ કર્યા હતા. એક રાઉન્ડ ફાયરીંગ કર્યા બાદ તે શો રૂમની સામે આંટા મારી રહ્યો હતો અને ફરી 2 રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. ફાયરીંગ કરતી વેળા અજાણ્યા શખ્સને કોઈનો ડર હોય તેવું લાગતું નહોતું. ફાયરીંગના પગલે શોરૂમના કર્મચારીઓ બહાર આવી ગયા હતા, તેમ છતાં તે શખ્સ બિન્ધાસ્ત હાથમાં રિવોલ્વર લઈ ફરી રહ્યો હતો.

ફાયરીંગના પગલે શો રૂમના કર્મચારીઓ બહાર આવી ગયા હતા અને શો રૂમ બંધ કરવા માંડ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે કર્મચારી દુકાનનું શટર બંધ કરી રહ્યાં છે ત્યારે અજાણ્યો શખ્સ રિવોલ્વરમાં કારતૂસ લોડ કરીને વારંવાર ફાયરીંગના પ્રયાસ કરી રહ્યો છે. શો રૂમના એક કર્મચારી સામે તે રિવોલ્વર પણ તાકી દે છે. ફાયરીંગથી બચવા શો રૂમના કર્મચારીઓ મોંઢા આડે બેગ પણ મુકી દે છે.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે 3 ફૂટેલા કાર્ટીઝ કબ્જે કર્યા છે. ફાયરીંગથી શો રૂમનો કાચ ફૂટ્યો નહીં હોય ફાયરીંગ એરગન જેવા હથિયારથી કરવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે કાર્ટિઝ એફએસએલ માટે મોકલી આપ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ હકીકત બહાર આવશે. હાલ પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફાયરીંગના વીડિયોના આધારે ફાયરીંગ કરનાર અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના પગલે સરથાણા વિસ્તારમાં ભય વ્યાપી ગયો છે.

Most Popular

To Top