સુરત: માત્ર પાંચ દિવસમાં સુરતની (Surat) કોર્ટે (Court) કેસની ટ્રાયલ પુરી કરીને બળાત્કારીને (Rapist) અંતિમ શ્વાસ સુધીની સજાનો આપેલો ચૂકાદો ખરેખર પ્રસંશનીય છે પરંતુ આ ચૂકાદા માટે પોલીસ દ્વારા જે જહેમત ઉઠાવવામાં આવી તે પણ નોંધનીય છે. પોલીસ (Police) દ્વારા સીસીટીવી (CCTV) ફૂટેજને આધારે પકડાયેલા અજય નિશાદને લઇને ગેઇટ એનાલીસીસનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અંગે એફએસએલમાં (FSL) મોકલવામાં આવ્યો હતો. સામાન્ય રીતે એફએસએલમાંથી ત્રણ મહિના સુધીમાં રિપોર્ટ આવતો હોય છે, પરંતુ આ કેસમાં એક દાખલો બેસાડવા માટે સુરત પોલીસ કમિશનરે જાતે જ તપાસમાં રહ્યા હતા, એફએસએલના અધિકારીઓ સાથે પણ તેઓએ ચર્ચા કરીને ગેઇટ એનાલીસીસનો રિપોર્ટ માત્ર ત્રણ દિવસમાં જ મંગાવીને આરોપી સામે મજબુત પુરાવા એકત્ર કર્યા હતા.
- જીઆઇડીસીમાં રહેતા અજય નિશાદે પાંચ વર્ષની માસૂમ બાળાને ફ્રૂટસલાડ અને મોસંબી ખવડાવીને બળાત્કાર કર્યો હતો
- ઘટના બહાર ન આવે તે માટે આરોપીએ બાળકીનું ગળુ દબાવી હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો
- પોલીસે 10 દિવસમાં ચાર્જશીટ મુક્યું અને કોર્ટે પાંચ દિવસની સુનાવણી કોર્ટનો સિમાચિન્હરૂપ ચૂકાદો
- દિવાળી બાદ ઉઘડતા વેકેશનમાં જ આરોપીને અંતિમશ્વાસ સુધીની કડક સજા કોર્ટે ફટકારી
- ભોગબનનાર બાળકીના પરિવારને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તરફથી રૂા. 15 લાખની સહાય
પીડિતને ન્યાય અપાવવા રાત્રે 11 વાગ્યા સુધી કોર્ટ કાર્યવાહી થઇ હતી
સુરતમાં બળાત્કારની ઘટનાઓને ડામવા માટે શહેર પોલીસ તંત્રની સાથે હવે ન્યાયતંત્ર પણ ખુબ જ આક્રમક થઇ ગયું છે તેનો ઉદાહરણરૂપ ચૂકાદો સુરતની કોર્ટમાં આવ્યો છે. પોલીસ તપાસની સાથે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે સુરતની સ્પેશ્યલ પોકસો કોર્ટ રાત્રે 11 વાગ્યા સુધી શરૂ રહી હતી. પોલીસે 10 દિવસમાં ચાર્જશીટ કર્યું અને કોર્ટમાં માત્ર પાંચ દિવસની ટ્રાયલ બાદ આરોપીને જીવનના અંતિમશ્વાસ સુધીની સજા કરતો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. આટલો ઝડપી ચૂકાદો રાજ્યના ન્યાયતંત્રના ઇતિહાસમાં સૌપ્રથમવાર આપવામાં આવ્યો છે. આ કેસમાં કોર્ટે પોતાનો ચૂકાદો આપતા કહ્યું કે, આરોપીને પોતાની ભુલનો પશ્ચાતાપ થાય અને સમાજમાં એક દાખલો બેસે તે માટે પણ આરોપીને અંતિમ શ્વાસની સજા થાય તે જરૂરી છે.
હત્યાના પ્રયાસને લઇને આરોપી સામે 307 અને 323ની કલમનો ઉમેરો થયો હતો
પોલીસ તપાસ દરમિયાન આરોપી અજય નિશાદે બાળકીની સાથે રેપ કર્યા બાદ તેના ગળાના ભાગે ગંભીર ઇજા કરી હતી.આ ઘટના બહાર ન આવે તે માટે આરોપીએ બાળકીનું ગળુ દબાવીને હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. જે અંગે સચીન જીઆઇડીસી પોલીસે આઇપીસી-307 અને 323નો ઉમેરો કરવામાં આવ્યો હતો. પોલીસની આ અરજીને પણ કોર્ટે મંજૂર રાખી હતી અને આરોપી સામે વધુ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા.
સીસીટીવી ફૂટેજને સાબિત કરવા માટે ગેઇટ એનાલીસિસનો રિપોર્ટ રજૂ કરાયો
પોલીસે સીસીટીવી ફૂટેજથી આરોપીને શોધવાના પ્રયાસો કર્યા હતા. જેમાં આરોપી જે સોસાયટીમાં રહેતો હતો તે ગુરૂકૃપા સોસાયટીના જ બે યુવકો આરોપી અજયને લઇને પોલીસ પાસે આવ્યા હતા. પોલીસે આ વ્યક્તિ જ બળાત્કાર કરનાર આરોપી છે તે સાબિત કરવા માટે ગેઇટ એનાલીસિસ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં આરોપીની ચાલ, દેખાવ અને હચલના પંચનામાની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી અને તે સાથેનો એફએસએલનો રિપોર્ટ રજૂ થયો હતો.
પત્નીએ સેક્સ કરવાની ના પાડતા આરોપીએ પાંચ વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી હતી
બળાત્કારની આ ગંભીર ઘટના બની ત્યારે આસો નવરાત્રી ચાલતી હતી. નવરાત્રીના પવિત્ર દિવસોમાં બળાત્કારી અજય નિશાદને તેની પત્નીએ સેક્સ કરવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા અજયએ બહાર આમથી તેમ આંટા મારીને પાંચ વર્ષની બાળકી ઉપર દાનત બગાડી હતી. બાળકીનું અપહરણ કરીને તેની સાથે જ બળાત્કાર ગુજાર્યો હતો. પોતાની હવસ સંતોષાયા બાદ અજયએ બાળકીને ઝાંડી-ઝાંખરામાં ફેંકી દીધી હતી.
જો અડધો કલાક મોડું થયું હોત તો બાળકીનું અવસાન થયું હોત
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી અજય નિશાદ બાળકીને ઝાંડી-ઝાંખરામાં ફેંકીને ભાગી ગયા બાદ બાળકી ત્યાં રડા-રડ કરતી હતી. બાળકીનો રડવાનો અવાજ સાંભળીને એક જાગૃત નાગરીકે પોલીસની સાથે 108ને જાણ કરીને બાળકીને હોસ્પિટલમાં મોકલી આપી હતી. બાળકીને જ્યાં હોસ્પિટલમાં મોકલવામાં આવી ત્યારે તે ખુબ જ ગંભીર અવસ્થામાં હતી. જો બાળકી મળવામાં અડધો કલાક પણ મોડું થયું હોત તો કદાચ તેનું અવસાન થવાની પણ શક્યતા હતી. પરંતુ સદ્દનસીબે બાળકીને સહી-સલામત હોસ્પિટલ લઇ જવાઇ અને ડોક્ટરોએ તેને નવું જીવન આપ્યું હતું.
કઈ રીતે ઘટના બની અને ચૂકાદો આવ્યો
- તા. 12-10-2021ના રોજ સવારે 9 વાગ્યાના અરસામાં સચીન જીઆઇડીસીમાંથી બાળકી ગુમ થઇ
- તા. 12-10-2021એ સાંજના સમયે બાળકી મળી આવી અને તેને હોસ્પિટલ લઇ જવાઇ
- તા. 13-10-2021એ આરોપી અજય નિશાદની સીસીટીવી ફૂટેજથી ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાયો
- આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવી પોલીસે તપાસ શરૂ કરી
- 35 સાક્ષીઓ તેમજ 53 દસ્તાવેજી પુરાવા સહિત કુલ્લે 60 સાક્ષીઓના લીસ્ટ સાથે પોલીસે ચાર્જશીટ તૈયાર કર્યું
- જેમાં ત્રણ નજરે જોનારા મહત્ત્વના સાક્ષીઓ હતા અને તેઓનું 164 મુજબ નિવેદન લેવાયું હતું
- ત્રણ દિવસમાં જ એફએસએલમાંથી આવેલો ગેઇટ એનાલીસીસ રિપોર્ટ પણ રજૂ કરાયો હતો
- તા. 21-10-2021ના રોજ સચીન જીઆઇડીસી પોલીસે આ કેસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધુ
- તા. 25-10-2021 ના રોજ આરોપી સામે ચાર્જ ફ્રેમ કરાયું
- તા. 26 થી તા. 29 સુધી એટલે કે માત્ર પાંચ જ દિવસમાં તમામ સાક્ષીઓની જુબાની લેવાઇ
- ત્યારબાદ કોર્ટમાં બચાવપક્ષની દલીલો રજૂ કરવામાં આવી
- તા. 11-11-2021ના રોજ એટલે માત્ર 29 દિવસમાં જ કોર્ટે આરોપીને અંતિમ શ્વાસની સજા કરી
બાળકીએ હજુ શાળાએ જવાનું પણ શરૂ નથી કર્યું ત્યાં જ તેની સાથે થયેલો બળાત્કાર ખુબ જ ગંભીર : કોર્ટનું તારણ
કોર્ટે આરોપીને સજા કરતા પોતાનો ચૂકાદો આપ્યો હતો જેમાં લખ્યું હતું કે, આરોપીએ પુરાવાનો નાશ કરવા માટે બાળકીનું ગળુ દબાવી તેણીને ઝાંડી-ઝાંખરામાં ફેંકી દીધી હતી. આરોપી સામે જે પુરાવા રજૂ થયા છે તે ખુબ જ ગંભીર છે. બાળા ખુબ જ કુમળી વયની છે, બાળકીઓ તેની સાથે કઇ ઘટના બની છે તે સમજવા પણ અસક્ષમ છે ત્યારે જ તેનો લાભ લઇને આરોપીએ બળાત્કાર ગુજાર્યો છે. બાળકીએ હજુ શાળાએ જવાનું શરૂ પણ નથી કર્યું ત્યાં જ તેની સાથે બળાત્કારની ગંભીર ઘટના બની છે અને તેની ખુબ જ ગંભીર અશર થાય છે. આવા કેસમાં આરોપી સામે દયા રાખવામાં આવે તો તેઓને છૂટો દોર મળશે અને ગુનામાં વધારો થશે સાથે જ સમાજમાં પણ ખોટો સંદેશો જશે. ત્યારે આરોપીને પસ્તાવો થાય તેમજ સમાજમાં એક સંદેશો જાય તે પણ જરૂરી છે. કોર્ટમાં રજૂ થયેલા તમામ પુરાવાને ધ્યાને રાખીને આરોપીને ફાંસીની સજા નહીં પરંતુ જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા કરતો હુકમ કરવામાં આવે છે.
પો.કમિ., સચીન જીઆઈડીસી પોલીસ, સરકારી વકીલ અને જસ્ટીસના ટીમ વર્કે આરોપીને એક મહિનામાં સજા અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો
બળાત્કારની આ ઘટનાથી શહેર પોલીસ કમિશનર અજય તોમર પણ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ તાત્કાલિક સચીન જીઆઇડીસી પોલીસને આદેશ આપીને આ ઘટનામાં આરોપીને જલ્દી પકડીને તેને સજા થાય તે માટે કડકમાં કડક પુરાવા ભેગા કરવા જણાવ્યું હતું. આ સાથે જ સચીન જીઆઇડીસીના પીઆઇ જે.પી. જાડેજા અને તેમની ટીમ કામે લાગી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારબાદ સુરતની સેશન્સ કોર્ટમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા, રિન્કુ પારેખ અને રાજેશ ડોબરીયાએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સરકારી વકીલે સેશન્સ જજને સ્પીડી ટ્રાયલ માટે વિનંતી કરી હતી. ત્યારે સુરત કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ વી.કે. વ્યાસ અને સ્પેશ્યલ પોક્સો કોર્ટના સેશન્સ જજ પી.એસ. કાલાએ પણ હકારાત્મક અભિગમ આપીને રાત્રે 11 વાગ્યા સુધી કોર્ટ શરૂ રાખવા જણાવ્યું હતું. ત્યારબાદ માત્ર પાંચ દિવસમાં જ આ કેસની સંપૂર્ણ ટ્રાયલ પુરી કરવામાં આવી હતી.
સચીન જીઆઇડીસી પોલીસની સાથે સમગ્ર સુરત પોલીસની ટીમને ગૃહ રાજ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા
સચીન જીઆઇડીસીમાં ચાર વર્ષની બાળકી સાથે થયેલી બળાત્કારની ઘટનામાં આરોપીને માત્ર 27 દિવસમાં જ જીવનના અંતિમ શ્વાસ સુધીની સજાનો હુકમ કરાયો હતો. આ હુકમ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસની ટીમ તેમજ સચીન જીઆઇડીસી પોલીસને ખુબ ખુબ અભિંનદન પાઠવ્યા હતા. પોલીસ કમિશનરને આ બાબતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. તેઓના જણાવ્યા પ્રમાણે પોલીસની આ સફળ કામગીરી બદલ આગામી દિવસોમાં એક સન્માન સમારોહ પણ રાખવામાં આવશે.