નડિયાદ: નડિયાદ તાલુકાના અલીન્દ્રા તેમજ સલુણ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતના જુદા-જુદા બે બનાવોમાં કુલ પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માત સર્જનાર વાહનના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ તાલુકાના અલીન્દ્રા ગામમાં આવેલ ઈન્દિરાનગરી સામે નવા બની રહેલાં જી.ઈ.બી સબસ્ટેશનમાં કડિયાકામની મજુરી કરતાં નિકુલભાઈ હઠીલા મંગળવારના રોજ મોડી સાંજના સમયે ઈન્દિરાનગરી નજીક રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે વખતે માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ અજાણ્યાં ફોરવ્હીલ ગાડીના ચાલકે નિકુલભાઈને અડફેટે લઈ ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ચંપાબેન શંકરભાઈ હઠીલાની ફરીયાદને આધારે ચકલાસી પોલીસે અજાણ્યાં વાહનચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ તાલુકાના હાથજમાં રહેતાં હાર્દિક નટવરભાઈ વાઘેલા અને તેનો નાનો ભાઈ હિરેન ગત રવિવારના રોજ બપોરના સમયે એક્ટિવા નં જીજે ૨૩ એકે ૩૬૨૦ લઈને નડિયાદ જવા નીકળ્યાં હતાં. સલુણ ગામની સીમમાં આવેલ યોગીરાજ પાર્ટીપ્લોટ નજીકથી તેઓ પસાર થઈ રહ્યાં હતાં તે વખતે એક્ટિવા ડગમગવા લાગ્યું હતું. જેથી તેઓએ ડિવાઈડર પાસે એક્ટિવા ઉભુ રાખ્યું હતું અને એક્ટિવાના ટાયરમાંની હવા ચેક કરતાં હતાં. તે વખતે માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે આવતાં બાઈક નં જીજે ૦૬ એનડી ૩૧૨૮ ના ચાલકે હાર્દિક વાઘેલાના એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવાની હવા ચેક કરતાં હાર્દિક અને તેના ભાઈ હિરેન તેમજ બાઈક પર સવાર બે ઈસમોને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે હાર્દિક નટવરભાઈ વાઘેલાની ફરીયાદને આધારે નડિયાદ રૂરલ પોલીસે અકસ્માત સર્જનાર બાઈકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.