SURAT

આજથી સુરતમાં ફોરેન પોસ્ટ ઓફિસનો પ્રારંભ, નાના હીરા ઉદ્યોગકારોને લાભ, હીરાની નિકાસ કરી શકાશે

સુરત: (Surat) ભારતીય ડાક વિભાગ દ્વારા આજે સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે ભારત સરકારના કોમ્યુનિકેશન રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ‘ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર’ના ઉદ્‌ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફોરેન પોસ્ટઓફિસ મહિધરપુરા હેડ પોસ્ટઓફિસ (Post Office) ખાતે અલાયદી જગ્યામાં ઊભી કરવામાં આવી છે. આ પ્રસંગે ભારત સરકારના કોમ્યુનિકેશન્સ રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા દરેક મંત્રીઓને ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સંકલન કરીને કામ કરવા સૂચન કર્યું છે. જેના ભાગરૂપે ચેમ્બરના માધ્યમથી સ્ટેકહોલ્ડરોના પ્રશ્નોને સાભંળવા માટે ગત તા. ૧૮ સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ નાનપુરા, સમૃદ્ધિ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયમંડ તથા ટેકસટાઇલના નાના એકસપોર્ટર્સ અને પાર્સલ એકસપોર્ટ કરનારા વેપારીઓને પડતી મુશ્કેલી વિશે જાણવા મળ્યું હતું. આ મુશ્કેલીને દૂર કરવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતાં અને એક મહિનાની અંદર તેઓની મુશ્કેલીનો અંત લાવવા માટે ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

નવસારીના સાંસદ તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આ સેન્ટર શરૂ થવાથી સુરતના જવેલર્સ અને નાના હીરાના વેપારીઓને તો લાભ થશે જ, પરંતુ કાપડના વેપારીઓને પણ વિદેશમાં સેમ્પલ મોકલવાનું સરળ બનશે. નાના જવેલર્સ અને હીરાના વેપારીઓને જવેલરી અને તૈયાર હીરા વિદેશ મોકલવાનો ખર્ચ ઓછો થશે. સુરત ડાયમંડ બુર્સ પણ સાકાર થવા જઇ રહ્યું છે ત્યારે આ સુવિધા મહત્ત્વની સાબિત થશે. અમે નવી ટીપી સ્કીમોમાં પોસ્ટઓફિસ, પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી માટે અલાયદી સુવિધા ઊભી કરવા જણાવ્યું છે. આ સેન્ટર શરૂ થતા ગ્રાહકોને પેકેજીંગ, બુકિંગ, કસ્ટમ દસ્તાવેજો તૈયાર કરવા સહિતની સુવિધા મળશે. આ સેન્ટર આંતરરાષ્ટ્રીય બુકિંગ માટે વનસ્ટોપ સોલ્યુશન બની રહેશે. ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, લોકોના તેમજ ઉદ્યોગોના પ્રશ્નોના નિરાકરણ માટે દરેક મંત્રાલયો દ્વારા સમન્વય સાધીને કામ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં તેમજ દેશભરમાં પોસ્ટની જરૂરિયાતોને ધ્યાને રાખીને સુવિધા વધારવામાં આવી રહી છે.

એક જ મહિનામાં ફોરેન પોસ્ટઓફિસનું સ્ટ્રકચર ઉભું કરાયું
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં ફોરેન પોસ્ટ ઓફિસની માંગ પૂરી કરવામાં વિલંબ થઇ રહ્યો હતો. જેના કારણે સુરતના ડાયમંડ તથા ટેકસટાઇલના નાના એકસપોર્ટરો અને પાર્સલ એકસપોર્ટ કરનારા વેપારીઓને ઘણી મુશ્કેલી પડી રહી હોવાની ચેમ્બરની રજૂઆતને પગલે મંત્રી દેવુસિંહ ચૌહાણે એક જ મહિનામાં આ પ્રશ્ન ઉકેલી દીધો છે. એક મહિનાની અંદર જ પોસ્ટ વિભાગ દ્વારા ડાયમંડ તથા ટેકસટાઇલના નાના એકસપોર્ટરોના લાભાર્થે ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત સુરત શહેરમાં ગ્રાહકોને ઇન્ટરનેટ નેટવર્કની સારી સુવિધા મળી રહે તે માટે અમદાવાદથી અધિકારીઓની ટીમ સુરત દોડાવી હતી અને ટીમ દ્વારા ટીએસપીના ડ્રાઇવ ટેસ્ટ કરી બીએસએનએલ, વોડાફોન અને જીઓના જે પોકેટમાં જ્યાં ઇશ્યુ મળ્યા છે ત્યાં નિરાકરણ લાવવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જ્વેલર્સ અને કાપડના વેપારીઓ લિમિટેડ સંખ્યામાં નાના પાર્સલો મોકલી શકશે: દિનેશ નાવડીયા
ફોરેન પોસ્ટ ઓફિસ માટે લાંબા સમયથી સરકારમાં રજૂઆત કરનાર જીજેઇપીસીના રીજ્યોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે કાઉન્સિલ અને ચેમ્બરની રજૂઆતને પગલે ઝડપથી નિર્ણય લીધો છે. તાજેતરમાં મંત્રી દેવુસિંહ ચૌહાણ અને સાંસદ સીઆર. પાટીલને તેની અનિવાર્યતા અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેને પગલે આ સુવિધા મળી રહી છે. આંતરાષ્ટ્રીય બિઝનેસ સેન્ટર એટલે કે ફોરેન પોસ્ટ ઓફિસમાં કસ્ટમ એપ્રુવ્ડ એપ્રરાઇઝલ ગુડર્ઝનું નિરિક્ષણ કરશે આ સેન્ટરથી લિમિટેડ સ્તરના નાના પાર્સલો ફોરેન મોકલી શકાશે. તૈયાર કે કાચા હીરા આ સીસ્ટમથી મોકલી શકાશે પરંતુ નાની જ્વેલરી એટલે કે વીંટી, પેન્ડન્ટ, બ્રેસલેટ સહિતની નાની જ્વેલરી મોકલી શકાશે. એવી જ રીતે કાપડ અને જરીના સેમ્પલ પણ મોકલી શકાશે.

Most Popular

To Top