તાલિબાની (Taliban) શાસન આવ્યા બાદથી અફઘાનિસ્તાનમાંથી (Afghanistan) સતત દર્દનાક સમાચારો આવી રહ્યા છે. તાજેતરમાં એક અફઘાની પિતાને પરિવારનું ભરણપોષણ કરવા માટે 9 વર્ષની માસૂમ બાળકીને (Father sold Daughter) વેચી દીધી છે. 55 વર્ષના વૃદ્ધને વેચતી વખતે પિતાની આંખ ભરાઈ આવી હતી. તેણે કહ્યું, આ તારી વહુ છે, તેનું ધ્યાન રાખજે, મારતો નહીં..
અબ્દુલ મલિક નામનો આ વ્યક્તિ તેના 8 સભ્યોના પરિવાર સાથે કેમ્પમાં રહે છે. અબ્દુલ મલિકે ગયા મહિને કહ્યું હતું કે, તેની 9 વર્ષની પુત્રી પરવાના મલિકને 55 વર્ષીય વ્યક્તિને વેચી દીધી છે. અબ્દુલ પાસે તેના પરિવારનું ભરણપોષણ કરવા માટે પૈસા બચ્યા ન હતા, જેના કારણે તેણે તેની પુત્રીનો સોદો કર્યો હતો. અબ્દુલના પરિવારમાં 8 લોકો છે અને તમામ રાહત શિબિરમાં રહે છે. પરિવાર જીવતો રહે તે માટે દીકરીને વેચી દીધી છે. આ અગાઉ અબ્દુલ મલિકે પોતાની 12 વર્ષીય પુત્રીને પણ વેચી દીધી હતી. ખોરાક માટે રૂપિયા નહીં હોય તેને હવે બીજી છોકરીને પણ વેચી દીધી છે.
સૂત્રો અનુસાર પેટની ભૂખે અબ્દુલ મલિકને તેની 12 અને 9 વર્ષની દીકરીનો સોદો કરવા માટે મજબૂર કરી હતી. 55 વર્ષીય વ્યક્તિને 9 વર્ષની દીકરી બાળવધૂ તરીકે વેચી હતી. જેથી તે તેના પરિવારના અન્ય સભ્યો માટે ખોરાક ખરીદી શકે. સોદો કરતી વેળા અબ્દુલ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો હતો અને કહ્યું હતું કે, હવે આ તારી દુલ્હન છે. કૃપા કરીને તેની સંભાળ રાખજે. હવે તે તમારી જવાબદારી છે, તેને મારતો નહીં.
પરિવારના સભ્યોએ કહ્યું કે, તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. આવા અનેક નિરાધાર પરિવારોને જીવવા માટે પોતાની દીકરીઓ વેચવાની ફરજ પડી રહી છે. અફઘાનિસ્તાનમાં એવા ઘણા પરિવારો છે જેઓ પોતાની દીકરીઓને વેચવા મજબૂર બન્યા છે. પરવાનાએ કહ્યું કે, મારા પિતાએ મને વેચી દીધી. કારણ કે તેમની પાસે રોટલી, ચોખા કે લોટ નથી. તેઓએ મને એક વૃદ્ધ માણસને વેચી દીધી છે. તે જ સમયે તેના પિતા અબ્દુલે કહ્યું કે તે તેની પુત્રીના વેચવાના પાપથી ભાંગી પડ્યો છે. રાત્રે ઊંઘી પણ શકતો નથી.