સુરત: દિવાળી (Diwali) આવતાની સાથે જ તસ્કરોનો (Thief) પણ તરખાટ વધી ગયો છે. શહેરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ ચોરીની ફરિયાદો નોંધાઇ હતી. જેમાં સરથાણાના ડી-માર્ટમાંથી (De-Mart) ત્રણથી ચાર મહિલા ઘી અને કાજુ બદામની ચોરી કરતી નજરે પડી હતી. જ્યારે લિંબાયતમાં 1.90 લાખના દાગીના અને ડિંડોલીમાંથી પંચર કરતા યુવકની મોપેડમાંથી 89 હજારની રોકડ ચોરાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કડોદરાના આસ્તિકનગરમાં રહેતા રામનિવાસ કોગસિંગ બધેલ સરથાણા યોગીચોક પાસે આવેલા ડી-માર્ટ મોલમાં સિક્યોરિટી તરીકે નોકરી કરે છે. દરમિયાન તેઓ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હતા ત્યારે ત્યાં ઘીના ડબ્બા પડ્યા હતા. રામનિવાસને શંકા જતાં તેમણે મેનેજરને જાણ કરીને સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં બે મહિલા સુમુલ અને સાગર ઘી તેમજ કાજુ-બદામનાં પેકેટ મળી કુલ રૂ.1500ની ચોરી કરતા નજરે પડ્યા હતા. આ બનાવ અંગે સરથાણા પોલીસમાં ફરિયાદ કરાઇ હતી.
જ્યારે બીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રના નાસીકના વતની અને સુરતમાં લિંબાયતના આઝાદનગરમાં રહેતા શાહીનાબી ઇકબાલ શેખના મકાનમાં કોઇ અજાણ્યા ડુપ્લિકેટ ચાવી વડે તાળું ખોલી અંદરથી રૂ.1.80 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે શાહીનાબીએ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ ઉપરાંત ડિંડોલીના શિવહીરાનગરમાં રહેતા ભૈયા મધુકર પાટીલની એક્ટિવામાં પંચર પડ્યું હતું. તેઓ પોતાની મોપેડમાં પંચર કરાવી રહ્યા હતા. ત્યારે ચાવી ડીકીના લોકમાં રહી ગઇ હતી. દરમિયાન કોઇ અજાણ્યા મોપેડની ડીકીમાંથી રૂ.89 હજારની રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.