Vadodara

૧પ વર્ષથી ભાગેડું આરોપી સાગર હોટલમાંથી ઝડપાયો

વડોદરા: અમદાવાદમાં એનડીપીએસના ગુનામાં ૧પ વર્ષથી નાસતો ફરતો આરોપીને રાવપુરા પોલીસે સુરસાગર પાસેથી હોટલમાંથી ઝડપી પાડ્યો હતો. કુખ્યાત આરોપી પાસેથી બનાવટી આધારકાર્ડ સહિતના મહત્વના દસ્તાવેજ મળી આવતા રાવપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. રાવપુરા પોલીસ મથકના એ.એસ.આઈ. સલાઉદ્દીન શેખે નોંધાયેલી ફરીયાદમાં જણાવ્યું કે, બાતમીના આધારે પોલીસે સુરસાગર તળાવ સામે આવેલ સાગર હોટલના રૂમ નં-103 માં છાપો માર્યો હતો. રૂમમાં મુસ્લીમ દંપતી મળી આવ્યુ હતું. નામઠામ પુછતા મોહંમદ સમીર મુનસીભાઈ શેખ અને તેની પત્ની નાઝનીન બાનું જણાવ્યું હતું. સમીરના ઓળખપત્ર ચકાસતા જમ્મુ કાશ્મીરના અરનામાના હતા. જ્યારે તેની પત્નીના આધારકાર્ડમાં 2662/એ, ખ્વાજા શહીદ દરગાહની ચાલી શાહપુર અમદાવાદ મળી આવતા પોલીસે શંકાના આધારે દંપતિ સહિતના તેમના પરિવારજનોને રાવપુરા પોલીસ મથકે લાવ્યા હતા. જ્યાં સઘન પુછતાછમાં સમીર શેખ કુખ્યાત ભાગેડુ આરોપી હોવાનું ખુલ્યુ હતું.

રીઢા આરોપીની સઘન પુછતાછમાં સ્ફોટક કબુલાત કરતા સમીર શેખે જપણાવ્યું હતુ કે 2003માં કરોડોની કિંમતનું 20 િકલો ચરસની હેરાફેરી કરવાના ગુનામાં એન.ડી.પી.એસ.નો ગુનો નોંધીને પોલીસે ધરપકડ કરીને સાબરમતી જેલમાં ધકેલી દિધો હતો. ભેજાબાજ આરોપીને 2004માં કોર્ટ મુદ્દતમાં પોલીસ જાપ્તા સાથે લઈ જવાનો હતો. ત્યારે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. ત્યારથી દિલ્હી કાશ્મીર તરફ નાસતો ફરતો હતો અને અસલ નામ છુપાવી ખોટા નામના દસ્તાવેજ આધારે બનાવટી નામ ધારણ કરીને પોલીસની આંખમાં ધુળ નાખતો હતો. રાવપુરા પોલીસે બનાવટી દસ્તાવેજો કબ્જે કરીને ગુનો દાખલ કર્યો હતો. અને ભાગેડુ આરોપીને અમદાવદ કારંજ પોલીસને વિધિવત સોંપી દીધો હતો.

લીયાકત પહેલવાને 2007માં બનાવટી ઈલેકશન કાર્ડ આપ્યું હતંુ

અમદાવાદ ખાનપુરમાં રહેતા લીયાકત પહેલવાન 2007માં દિલ્હી ગયો હતો. ત્યારે નાસીર કાશ્મીરથી દિલ્હી મળવા ગયો હતો. ત્યાંથી બંન્ને મિત્રો વડોદરા આવીને રેલ્વે સ્ટેશન સામે અગ્રવાલ ગેસ્ટ હાઉસમાં રહ્યા હતાં. ત્યાં લીયાકતના ભેજાબાજ મળતીયા એજન્ટે સમીર શેખના નામનું ચૂંટણી કાર્ડ બનાવીને પોતાના હાથે આપ્યું હતું. 

નાસીર હુસેને સમીર શેખ નામના પાનકાર્ડ પણ બનાવડાવ્યાં

સાબરમતી જેલનો કેદી નંબર 187/03 નાસીરહુસેન ગુલામહુસેન શેખ 2004 માં જાપ્તામાંથી ફરાર થઈને સીધો કાશ્મીર રવાના થઈ ગયો હતો. જ્યા ભાડાના મકાનમાં રહેતો હતો. 2007માં નાસીર વડોદરા આવ્યો ત્યારે સમીર મુનશીભાઈ શેખના નામનું આધારકાર્ડ બનાવડાવ્યું હતું. તેના આધારે જ 2015માં બનાવટી પાનકાર્ડ પણ બનાવડાવ્યું હતું.

બહુનામધારી રીઢા આરોપીનું આધારકાર્ડ ઉર્દુને અંગ્રેજીમાં છે

કુખ્યાત નાસીર ઉર્ફે સમીર પાસેથી મળી આવેલી બનાવટી આધારકાર્ડ જે અંગ્રેજી અને ઉર્દુમાં કાશ્મીરના સરનામા વાળું છે. તદ્દઉપરાંત બે અલગ અલગ નંબરના ચૂંટણી કાર્ડ છે તે પૈકીના એકમાં સિન્ધી સમીર દિનમહમદ છે જ્યારે પાનકાર્ડમાં શેખ સમીર મુન્સીનો ઉલ્લેખ છે. લબ્બેક ફાઉન્ડેશનના ફોટો વાળા આઈડી કાર્ડમાં મુંબઈની મેમ્બરશીપ દર્શાવેલી છે. તે કંપનીનો તે કર્મચારી હોવાનું ખોટુ કાર્ડ મળ્યું હતું.

હોમગાર્ડનની કચેરીના પ્રાંગણમાં ડોગ સ્કવોડ સાથે બે કાર ચેક થઈ

3 દિવસ પૂર્વે રીઢા આરોપીને તેના કેટલાક પરીવાજનોની બે કાર સાથે રાવપુરા પોલીસ રાત્રે લાવી હતી. બન્ને કાર પાર્ક કરીને મેટલ ડિરેકટર તથા ડોગ સ્કવોડથી ચેક કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. પરંતુ એવું જાણવા મળ્યુ હતુ કે આરોપી કાર લઈને ઉપયોગ કરતો હતો. તે કેમ કબ્જે લેવાઈ નથી ? તેને મદદ કરનાર તેની પત્ની શાળાના નિવેદન લેવાયા કે કેમ તે અંગે પોલીસે ગોળ ગોળ વાત કરી મૌન સેવી લીધુ હતું.

Most Popular

To Top