Columns

એક કાગડાની શીખ

એક રાજા ખુબ જ પરાક્રમી તેણે મોટું સામ્રાજ્ય સ્થાપ્યું ..ખજાના ઉભરાય એટલું ધન ભેગું કર્યું.એક દિવસ રાજાને વિચાર આવ્યો કે આટલી મહેનત કરી આટલું બધું ભેગું કર્યું છે પણ હું મૃત્યુ પામીશ પછી આ બધો આનંદ ભોગવી નહિ શકું ..માણી નહિ શકું.ખુબ્વીચાર્ય બાદ રાજાને વિચાર આવ્યો કે જો હું મારું નહિ તો આ બધા ભોગવિલાસ માણ્યા કરીશ અને સામ્રાજ્ય અને ખજાનો વધાર્યા કરીશ અને હું જ જીવનભર અમર બની સમ્રાટ રહીશ અને આનંદ મેળવીશ અને બધાને આનંદ આપીશ.

બસ આવો વિચાર આવતા રાજા અમૃતની શોધમાં લાગી ગયો તેને ખબર મળ્યા કે દુર દુર હિમાલયમાં ક્યાંક એક સ્વર્ગ તરફ જતી ગુફામાં અમૃતનું ઝરણું વહે છે તે અમૃત પી લીધા બાદ મૃત્યુ તમને સ્પર્શી શકતું નથી.બસ રાજા ચાલી નીકળ્યો હિમાલય તરફ અમૃતની શોધમાં અને ઘણી રઝળપાટ બાદ તેને તે ગુફા શોધી લીધી.રાજા અંદર ગયો અંદર કઈ ન હતું ચારે તરફ હરિયાળી હતી અને કલ કલ કરતુ અમૃતનું ઝરણું વહી રહ્યું હતું.રાજાના આનંદની કોઈ સીમા ન રહી.તે ઝરણાં તરફ દોડી ગયો અને હજી ખોબો ભરી અમૃત પીવા જાય ત્યાં એક અવાજ આવ્યો.. ‘રાજન, થોભો આ અમૃત નહિ પીતાં..’ રજાનો હાથ તરત અટકી ગયો અને તલવાર પર ગયો.કોણ છે પોતાને અટકાવનાર તેને શોધવા તે આજુબાજુ જોવા લાગ્યો.

રાજાને કઈ દેખાયું નહિ.વળી અવાજ આવ્યો, ‘રાજન એકવાર મારી વાત સાંભળી લો પછી નિર્ણય કરજો..’ રાજાએ અવાજની દિશામાં જોયું તો એક અતિ વૃદ્ધ હાલી ચાલી ન શકતો કાગડો તેની સાથે માંનુશની ભાષામાં વાત કરી રહ્યો હતો.કાગડાએ કહ્યું, ‘રાજન મેં આ અમૃત પીવાની ભૂલ કરી છે તમે નહિ કરતા વર્ષો પહેલા મને પણ અમર થવું હતું એટલે અમૃતની ખોજમાં આવ્યો અને અમૃત પી અમર થઈ ગયો.આજે હવે મને મરવું છે પણ મોત આવતું નથી.મારી દશા જો શરીર તાકાતહીન બની ગયું છે…પીંછા ખરી ગયા છે …હાલી ચાલી શકતો નથી ..ઉડવાની તો પાંખોમાં શક્તિ જ નથી …મને મૃત્યુ જોઈએ છે પણ તે શક્ય નથી.’

કાગડાની હાલત જોઈ રાજા વિચારતો રહ્યો અને પછી અમૃત પીધા વિના જ ત્યાંથી ચાલ્યો ગયો.રાજા સમજી ગયો કે જીવનનો કોઈપણ આનંદ ત્યાં સુધી જ માણી શકાય છે જ્યાં સુધી આપણે સ્વસ્થ હોઈએ અને તે આનંદ માણવા યોગ્ય હોઈએ.જેને જેટલું જીવન મળ્યું છે તેટલું સ્વસ્થ રીતે જીવી આનંદ માણતા રહેવું જોઈએ.મૃત્યુથી ભાગવાની જરૂર નથી. બધાને જ આવશે ભલે આવતું તે પહેલા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જેટલું જીવન મળ્યું છે તેટલું સ્વસ્થ રહી આનંદથી માણો. 
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top