દરેક શહેર, કસ્બા અને ગામડાંઓમાં લોકોની વધતી જતી જરૂરિયાત અને અમુક કિસ્સાઓમાં વધતા શોખ મુજબ ટુ વ્હિલર અને ફોર વ્હીલરની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. એની સામે જાહેર સ્થળોએ પાર્કિંગની સુવિધા અને જગ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે. વ્યવસ્થા તંત્ર પાર્કિંગ માટે જગ્યાની વ્યવસ્થા વધારવાનો પ્રયત્ન કરે છે, જે વહેતા સમય સાથે અપૂરતી જ રહે છે. ફાળવેલી જગ્યા અપૂરતી હોવાને કારણે કોઇને ન નડે એ રીતે સાઇડ પર વાહન પાર્ક કરવું પડે છે.
હમણાં જ થોડા સમય પહેલાં મારે એક બેન્કમાં જવાનું થયું, પરંતુ બેન્ક નજીક વાહનો માટેની પાર્કિંગની જગ્યા પૂરેપૂરી ભરાયેલ હતી, એથી કોઇને નડતરરૂપ ન થાય એ રીતે મારું વાહન પાર્ક કરી બેન્કમાં દશેક મીનીટ માટે ગયેલ. હું બેન્ક બહાર આવતા મને મારું વાહન ન દેખાતા આજુબાજુ પૂછયું તો એ વાહન ટોઇંગ કરવાવાળા લઇ ગયેલ જે જગ્યા શોધવામાં અને દંડ ભરી છોડાવવામાં મારો ઘણો સમય વ્યતીત થઇ ગયો. આવું તો અન્યો સાથે પણ બન્યું હશે.
વાહન પાર્ક કરવાની જગ્યા ન હોય એવા સંજોગોમાં વાહનચાલકનું વાહન ઉપાડી જઇ દંડ વસુલ કરવો શું યોગ્ય છે? પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરવાની જવાબદારી વાહનચાલકોની કે પછી પાર્કિંગ પોલીસી ઘડનાર અને એનું પાલન કરાવનાર વ્યવસ્થાતંત્રની? આ બાબતે શાસકો અને કાયદાના રખેવાળો યોગ્ય નિર્ણય લઇ લાગતાવળગતા ડીપાર્ટમેન્ટ અને અધિકારીઓને યોગ્ય સૂચના આપે એ ઘણું જરૂરી છે કે જેથી શહેરનાં નાગરિકો એમના કોઇ પણ વાંક–ગુના વિના હેરાન થતા અને દંડાતા બચી જાય અને કોઇની સામે દંડાત્મક કાર્યવાહી ન કરી શકાય.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.