વલસાડ: (Valsad) વલસાડ નજીક ગાડરીયા ગામે એક વેપારીને (Trader) બંધક બનાવીને ધાડ (Loot) પાડવા આવેલા ધાડપાડુઓને ઘરના સભ્યો જાગી જતા ત્રણ પૈકી બેને પકડી ઘરના માલિક તથા ગ્રામજનોએ ઢોર માર માર્યો હતો. પોલીસે ધસી આવી બેને પકડી દીધા હતા. બંને ધાડપાડું ઇજાગ્રસ્ત હોય તેઓને 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. એક ઘાડપાડુ સોનાનું મંગલસૂત્ર તથા આઇફોન મળીને કુલ રૂ.૪૦ હજારની મત્તા ચોરી (Theft) કરી ભાગી ગયો હતો. આ ત્રણેય જણા મહારાષ્ટ્રના હોવાનું પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું.
- ઘરના સભ્યો જાગી જતા ત્રણ પૈકી બે ધાડપાડુને પકડી ઘરના માલિક તથા ગ્રામજનોએ ઢોર માર માર્યો
- એક ઘાડપાડુ સોનાનું મંગલસૂત્ર તથા આઇફોન ચોરી ભાગી ગયો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ નજીકના ગાડરીયા ગામે રહેતા જતીનકુમાર છગનભાઈ પટેલ વલસાડમાં સ્ટેશનરીની દુકાન ચલાવે છે. રાત્રે જતીન પોતાના પરિવાર સાથે જમીને સુઈ ગયા હતા. રાત્રે 1.10 વાગ્યે ઘરના પાછળના દરવાજાનો નકુચો તોડીને 3 ધાડપાડુઓ હથિયાર લઈને ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં સીસીટીવી લગાવેલા હોય કેમેરા ઉપર રૂમાલ નાખી દીધો હતો. ત્યારબાદ બેડરૂમમાં પ્રવેશ કરીને ત્રણ ઘાડપાડુઓએ ઘરમાલિક જતીનને ઉઠાડી બંધક બનાવીને એના હાથ વાયર વડે બાંધી દીધા હતા. જતીનની પત્ની અનુપ્રિયા જાગી જતાં તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. જેમાં 3 પૈકી એક ધાડપાડુએ અનુપ્રિયાના વાળ પકડીને એના ગળામાંથી મંગળસુત્ર તથા આઇફોન છીનવી લીધો હતો. જતીને જોર લગાવી ધક્કો મારીને 3 ઘાડપાડુને નીચે પાડી દીધા હતા.
ઘરના અન્ય સભ્યો જાગી જતા, તેઓએ પણ બુમાબુમ કરતા આજુબાજુના રહીશો સાથે ગ્રામજનો દોડી આવ્યા હતા. તેઓ ત્રણ પૈકી બેને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ પોલીસને બોલાવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી પકડાઈ ગયેલા બેને ઇજા થઇ હોવાથી 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે બંનેનું નામ પુછતાં મહારાષ્ટ્રના બારવીડેમ પીપળેવીમાં રહેતો મંગેશ ગણપત વાઘ અને વિજય તુલસીરામ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું. જ્યારે ત્રીજો ધાડપાડુ મહારાષ્ટ્ર ધુલિયાનો સચિન જે સોનાનું મંગળસૂત્ર તથા આઇફોન મળીને કુલ્લે રૂ.૪૦ હજારની ચોરી કરીને ભાગી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ વલસાડ ડીવાયએસપી મનોજસિંહ ચાવડાને થતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રૂરલ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.