National

T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી વિરાટને આઉટ નથી કરી શક્યું છે પાકિસ્તાન

T20 વર્લ્ડ કપ (T20 World Cup) 2021માં ભારત (India) આજે પાકિસ્તાન (Pakistan) સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચને લઈને બંને દેશો તરફથી સતત બયાનો આવી રહ્યાં છે. ઘણા અનુભવીઓએ બાબર આઝમ અને રિઝવાનની જોડીને ભારત માટે ખતરનાક ગણાવી છે, જ્યારે કેટલાક લોકો રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને ભારતના મહત્વના બેટ્સમેન ગણાવી રહ્યા છે. જોકે પાકિસ્તાન સામે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના આંકડા ખૂબ સારા છે અને કોહલી ફરી એકવાર ભારતીય ટીમને પાકિસ્તાન સામે વિજય તરફ દોરી શકે છે. પાકિસ્તાન ટીમ અત્યાર સુધી ટી 20 વર્લ્ડ કપમાં કોહલીને આઉટ કરવામાં સફળ રહી નથી. ભારતીય કેપ્ટને આ ટૂર્નામેન્ટમાં ત્રણ વખત પાકિસ્તાન સામે બેટિંગ કરી છે અને દરેક વખતે જીત મેળવી છે. ટી 20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો પાંચ વખત મળી છે અને દરેક વખતે ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. આમાંથી ત્રણ જીતમાં વિરાટ કોહલીનું ઘણું યોગદાન છે. તેણે ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે આઉટ થયા વિના 169 રન બનાવ્યા છે.

થોડી જ વારમાં બંને ટીમો દુબઈમાં T20 વિશ્વની તેમની પ્રથમ મેચમાં ટકરાશે. બંને દેશોની જનતા આ મેચની રાહ જોઈ રહી છે. આ દરમિયાન બંને ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પણ મેદાનની બહારથી વાતાવરણ સર્જવામાં વ્યસ્ત છે. જીતની આગાહી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પોતાના જ દેશના વઝીર-એ-આઝમ પર કટાક્ષ કર્યો હતો. તેમણે એક ટ્વીટ કર્યું છે જેમાં તેઓ ઇમરાનખાનને ટાર્ગેટ કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.

સુરતીઓ મહામુકાબલો જોવા તૈયાર

ભારત અને પાકિસ્તાન દુબઇમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સામ સામે ટકરાશે. આ મેચ સામુહિક રીતે જોવા માટે સુરતમાં પૂરેપૂરી તૈયારી થઇ ચૂકી છે. ટીવી સ્ક્રીન અને પ્રોજેક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા ગુલામભાઇ ભાણવડિયાના જણાવ્યાં અનુસાર મોટા સક્રીન અને પ્રોજેક્ટર માટે છેલ્લા એક અઠવાડિયાથી ઇન્કવાયરીનો મારો ચાલી રહ્યો છે. જો કે, તેના માટે તમામ પ્રોજેક્ટર્સ અને સ્ક્રીન બુક થઇ ગયા છે. એક અંદાજ મુજબ સુરતમાં 20થી 25 સ્થળોએ મોટી સ્ક્રીન લાગશે આ ઉપરાંત 100 જેટલી સોસાયટીઓમાં પણ પ્રોજેક્ટર મૂકવામાં આવશે. આ સ્થળે ટેકનિકલ સ્ટાફે પણ હાજર રહેવું પડે છે પરંતુ તેના અભાવે કેટલાક સ્ક્રીનનો ઓર્ડર લેવામાં આવ્યો નથી.

બીજી તરફ અડાજણની અંકુર સોસાયટીમાં રહેતા પિયુષભાઇ શાહના જણાવ્યાં અનુસાર તેમની સોસાયટીમાં પણ ભારત પાકિસ્તાનની મેચ નીહાળવાની તૈયારી થઇ ચૂકી છે. સોસાયટીમાં મોટા સ્ક્રીન પર મેચ નીહાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સોસાયટીના એક પણ ઘરમાં રસોઇ બનશે નહીં કારણ કે, ભોજનની વ્યવસ્થા પણ સામુહિક રીતે જ કરી દેવામાં આવી છે આ ઉપરાંત તેમની સોસાયટીમાં વિશેષતા એ રહેશે કે, તમામ સભ્યો માટે ભારતની ટીમ જેવા જ ટીશર્ટ તૈયાર કરવામાં આવ્યા છે એટલે તમામ લોકો તે ટીશર્ટ પહેરીને ભારતના ક્રિકેટર્સનો ઉત્સાહ વધારશે. સોનિફળિયામાં રહેતા અક્ષયભાઇ પૂજારીના જણાવ્યાં અનુસાર જયશ્રી સાંઇનાથ યુવક મંડળ દ્વારા ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન મહોલ્લામાં જ સ્ક્રીન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત અહીં ડીજેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે ભારતની દરેક બાઉન્ડ્રી અને સિક્સ પર તેમજ પાકિસ્તાનની દરેક વિકેટ પર યુવાનો નાચતા જોવા મળશે. શેરીઓ અને સોસાયટીઓમાં તો ક્રિકેટનો રોમાંચ જોવા મળશે જ પરંતુ સાથે સાથે શહેરની આસપાસ આવેલા ફાર્મ હાઉસ પર પણ મેચ નીહાળવાનું આયોજન કરરવામાં આવ્યું છે. તો ક્રિકેટની મેચ નીહાળવા માટે રેસ્ટોરન્ટ સંચાલકોએ પણ તૈયારી કરી દીધી છે. અહીં સામાન્ય રીતે સ્ક્રીન પર મૂવી અથવા સોંગ્સ ચાલતા હોય છે પરંતુ રવિવારે અહીં મેચ દર્શાવવામાં આવશે તેમજ રેસ્ટોરન્ટમાં આવનારાઓ માટે બુફેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ગ્રાહકોને આકર્ષી શકાય કારણ કે, રવિવારે મેચ હોવાથી ફ્કત જમવા માટે કોઇ ઘરની બહાર નીકળશે નહીં. આ ઉપરાંત શહેરના એક મલ્ટિપ્લેક્સમાં પણ દરેક સ્ક્રીન પર મૂવીને બદલે ક્રિકેટ મેચ દર્શાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top