અંકલેશ્વર: (Ankleshwar) પોલીસ સ્ટેશનમાંથી (Police Station) જ 11 લાખ રુપિયાના મુદ્દામાલની ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવાનો કિસ્સો અંકલેશ્વરમાંથી પ્રકાશમાં આવ્યો છે. બે દિવસ પહેલા એલસીબી (LCB) એ 6 લાખના બાયો ડીઝલનું રો-મટિરિયલ્સ ભરેલા ટેન્કર (Tanker) સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી. તાલુકા પોલીસમથકમાં પાર્ક કરેલા ટેન્કરની ચોરી થઈ ગઇ છે. CCTVમાં 2 અજાણ્યા ચોર પોલીસ સ્ટેશનમાંથી ચોરી કરતા કેદ થઇ ગયા છે. LCB પોલીસે ખરોડ પાસે જ્વલનશીલ કેમિકલ સાથે ટેન્કર 2 દિવસ પૂર્વે ઝડપી પાડ્યું હતું. પોલીસ સ્ટેશનના મુદ્દામાલથી જ ટેન્કર ચોરી થતાં પોલીસ બેડા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે 11 લાખની કિંમતના ટેન્કર અને અંદર રહેલું પેટ્રોલિયમ પ્રવાહી ચોરીનો ગુનો નોંધ્યો હતો. શહેર પોલીસમથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ આરંભી હતી. જ્વલનશીલ કેમિકલનો વેપલો ચલાવતા કેમિકલ માફિયાના કારસ્તાનની આશંકા વ્યક્ત કરાઈ છે.
અંકલેશ્વર એસ.એ.મોટર્સથી કોર્ટ રોડ પર આવેલા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ગુરૂવારે રાતે તસ્કરો મુદ્દામાલ રૂપે પાર્ક કરેલું ₹6 લાખનું પેટ્રોલિયમ પ્રવાહી ભરેલા ટેન્કરની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત 18 મીની રાત્રિના ભરૂચ LCB પોલીસે ખરોડ ચોકડી હોટેલ લેન્ડમાર્ક પાસે એક ટેન્કરમાં શંકાસ્પદ ઓઇલનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. ટેન્કરમાં તપાસ કરતાં કુલ 12000 લીટર શંકાસ્પદ પ્રવાહી સાથે 2 ઈસમને ઝડપી પાડ્યા હતા અને અંકલેશ્વર તાલુકા પોલીસમથકે 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ સુપરત કર્યો હતો.
જે પેટ્રોલિયમ કેમિકલ ભરેલું ટેન્કર તાલુકા પોલીસમથક બહાર પાર્ક કરવામાં આવ્યું હતું. આ ટેન્કરને ગત રાત્રિના 2 જેટલા અજાણ્યા ઈસમો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે બે અજાણ્યા ચોર તાલુકા પોલીસમથક વિસ્તારમાં લાગેલા CCTVમાં કેદ થઇ જવા પામ્યા હતા. શુક્રવારે સવારે આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પોલીસ અધિકારીઓને જાણ થતાં આ અંગે અંકલેશ્વર શહેર પોલીસમથકે હે.કો. પંકજભાઈ દ્વારા ફરિયાદ નોંધાવાતાં શહેર પોલીસે 5 લાખનું ટેન્કર અને અંદર અંદાજે 6 લાખની કિંમતનું પેટ્રોલિયમ કેમિકલ 12000 લીટર મળી કુલ 11 લાખનો મુદ્દામાલ ચોરીનો ગુનો નોંધ્યો છે. આ બનાવ સંદર્ભે શહેર પોલીસમથકના પી.આઈ. વી.કે.રબારીએ વધુ તપાસ આરંભી છે. બાયો ડીઝલના માફિયાઓ જ આ ટેન્કર ચોરી ગયા હોવાનું અનુમાન હાલ લગાવાઈ રહ્યું છે.
મુદ્દામાલ રાખવા માટે પોલીસ સ્ટેશનમાં જગ્યા જ નથી
અંકલેશ્વર શહેર, GIDC તેમજ તાલુકા પોલીસ મથકે વર્ષોથી વિવિધ વાહનો તેમજ અન્ય મુદ્દામાલ પડ્યો છે. પોલીસ કમ્પાઉન્ડમાં હવે મુદ્દામાલ રાખવાની જગ્યા રહી નથી. ત્યારે પોલીસ સ્ટેશન બહાર પણ ચોરીનો મુદ્દામાલ રાખવાની પોલીસને ફરજ પડી રહી છે. નર્મદા રેસ્ટ હાઉસ ખાતે તો અનેક મોટી ટ્રક સહિત ખડકલો કરવામાં આવ્યો છે. કોર્ટની મંજૂરી વગર નિકાલ કરી શકાય નહીં. જેને લઇ આ વાહનો સહિત મુદ્દામાલ સાચવવો પોલીસ માટે પડકારરૂપ બન્યો છે.