સુરત: (Surat) ભટાર ખાતે ઉત્તર ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટની સ્કૂલમાં સમાજ મંથન માટેની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજ (Patidar Samaj) એક થાય અને તેમનાં સંતાનો આઇપીએસ ઓફિસર (IPS Officer) તથા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વધુ ને વધુ ફોર્મ ભરે એ માટેનું જાગૃતિ અભિયાન (Movement) ચલાવવા ચર્ચા કરાઈ હતી. સમાજ મંથનની બેઠકમાં કુરિવાજોને તિલાંજલિ આપવી તથા સરકારના વિવિધ વિભાગો માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ યુપીએસસી તથા જીપીએસસી પોલીસ વિભાગમાં વધુ ને વધુ પાટીદાર સમાજનાં દીકરા-દીકરીઓ પરીક્ષાઓ આપે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવૃત્ત પાટીદાર સમાજના ઉચ્ચ અધિકારીઓ તેમજ બુદ્ધિજીવીઓ હાજર રહ્યા હતા. સમાજના દીકરા-દીકરીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરે અને તેમનામાં વધુ ને વધુ જાગૃતિ આવે તેમજ તે અંગેનું માર્ગદર્શન અને પ્લાનિંગ કરી પાટીદાર સમાજના સંતાનો આઇપીએસ, આઇ.એ.એસ. અધિકારી બની સમાજનું નામ રોશન કરે એ માટે સુરત ખાતે પણ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાટીદાર સમાજનાં સંતાનો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ વાત કરતા નિવૃત્ત ડીવાયએસપી જે.એમ.પટેલે કહ્યું કે, સમાજ મંથનની બેઠકમાં કુરિવાજોને તિલાંજલિ આપવી તથા સરકારના વિવિધ વિભાગો માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ યુપીએસસી તથા જીપીએસસી પોલીસ વિભાગમાં વધુ ને વધુ પાટીદાર સમાજનાં દીકરા-દીકરીઓ પરીક્ષાઓ આપે સામાન્યમાં સામાન્ય પાટીદાર સભ્ય પણ ગૌરવભેર પરીક્ષા આપી ઉત્તીર્ણ થાય એ માટે સુરતમાં ઉત્રાણ અને ભટાર ખાતે ટ્રેનિંગ સેન્ટર ચાલુ કરવામાં આવ્યાં છે.
તેમાં પાટીદાર સમાજનાં સંતાનો ટ્રેનિંગ મેળવી પરીક્ષામાં કેવી રીતે સફળ બને એ અંગેનું શુક્રવારે સમાજ મંથન વિસ્તૃત રીતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાટીદાર સમાજના નિવૃત્ત ડીવાયએસપી જે.એમ.પટેલ. નિવૃત્ત પી.આઇ. વી.એ.પટેલ, આસિસ્ટન્ટ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર સુરત આર.એમ.પટેલ. નિવૃત્ત ડીવાયએસપી કે.એન.પટેલ. આગેવાન આર.સી.પટેલ, બી.એમ.પટેલ સહિતના શ્રેષ્ઠીઓએ સમાજ ઉત્થાન માટે વિવિધ મંતવ્યો રજૂ કર્યાં હતાં.