Comments

હવે કોંગ્રેસને ઢીલા-પોચા રહેવાનું નહીં પરવડે

કોંગ્રેસ કારોબારીની ગઇ તા. 16મી ઓકટોબરે મળેલી બેઠકની એક માત્ર નક્કર ફળશ્રૂતિ એ છે કે પક્ષના પ્રથમ પરિવાર ગાંધી પરિવારે પોતાનો કક્કો ખરો કર્યો છે. પક્ષ સામેના બીજા ઘણા મુદ્દાઓ હજી ઉત્તરની રાહ જોઇને લગભગ પાંચ કલાકની બેઠકપછી પણ ઊભા છે પણ એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી અને તેની સાથે ગાંધી પરિવારે પક્ષના પંચ પર પોતાની જાતને અજેયતાનું પ્રમાણપત્ર આપી દીધું.

બહુ થોડું અને બહુ મોડું કરી શકાય તોય સોનિયા ગાંધીએ પક્ષના પ્રમુખ કોણ છે અને કોણ નિર્ણય લે છે એવો પ્રશ્ન કરનારા બળવાખોર 23 નેતાઓને રોકડો જવાબ આપી દીધો તે આવકાર્ય છે. પ્રમુખપદની અને સંગઠનની ચૂંટણીનો લાંબા ગાળા પછીનો કાર્યક્રમ જાહેર કરીને પણ તેમણે આવકાર્ય પગલું ભર્યું છે. કોંગ્રેસનું કોણ ધણીધોરી છે એ બાબતમાં કોઇ ચોખવટ ન હોવાથી બળવાખોર જૂથ અસ્તિત્વમાં આવી ગયું હતું. સોનિયા ગાંધી પોતાની તબિયત નરમ ગરમ ચાલતી હોવાનું જણાતા કોચલામાં ભરાઇ ગયેલા અને પક્ષના સૂત્રો રાહુલ ગાંધીને સોંપ્યા હોવાનું લાગતું હતું પણ પક્ષનો કારભાર કોણ ચલાવતું હતું તે સ્પષ્ટ દેખાતું હોવાથી ગૂંચવાડો સર્જાયો હતો.

સોનિયાએ બળવાખોરો પર ‘ગોળીબાર’ કરી છાકો તો પાડી દીધો છે પણ તેથી બધું કામ પૂરું નથી થઇ જતું. ‘જે કોઇને મારી સાથે વાત કરવી હોય તે મારી સાથે સીધી વાત કરે પત્રકારો દ્વારા નહીં એવું સોનિયા ગાંધીએ પોતાની બાજુમાં બેઠેલા ગુલામનબી આઝાદની શેહશરમ રાખ્યા વગર ગળું ખોંખારીને કહી દેતાં તેની અત્યાર પુરતી તો અસર પડી છે છતાં સવાલ એ તો ઉભો જ છે કે ભૂતકાળમાં તેમને ગળું ખોંખારીને બધી વાત કરતાં કોણ રોકતું હતું? બળવાખોરો સહિતના મોટા ભાગના નેતાઓએ તરત જ કહ્યું કે અમે કયારે સોનિયાજીનાં નેતૃત્વ સામે સવાલ કર્યા છે? આ બતાવે છે કે કુલડીમાં ગળો ભાંગવાને બદલે સ્પષ્ટ વાત કરો તો તેની અસર પડે જ છે. જો કે હજી સંદિગ્ધતા પૂરી નાબૂદ નથી થઇ. સંગઠનની ચૂંટણી અને રાહુલ ગાંધી પક્ષના પ્રમુખપદના ઉમેદવાર થશે કે કેમ તે સવાલો તો હજી બાકી જ છે.

સંગઠનની ચૂંટણી માટે એક વર્ષ પછીનો સમય અપાયો હોવાથી પ્રશ્ન એ તો થશે જ કે પક્ષ ડચકા ખાય છે ત્યારે આટલી લાંબી મુદ્દત શા માટે? પણ કોઇ આ પ્રશ્ન પૂછવાની હિંમત નહીં કરે પણ જરૂરી એ છે કે પક્ષ તેના ચૂંટણીના કાર્યક્રમને વળગી રહે અને ચૂંટણી યોગ્ય વાતાવર ચાલુ રહે. પક્ષને હવે અચોક્કસતા વધુ પોસાઇ શકે તેમ નથી તેથી સોનિયા ગાંધી પાસે કડક બનવા સિવાય બીજો કોઇ રસ્તો ન હતો. ઉત્તર પ્રદેશ જેવા મહત્વના રાજય સિત છ રાજ્યોની વિધાન સભાની ચૂંટણી ઝળૂંબી રહી છે ત્યારે તો પક્ષ ઢીલો પોચો હોય તે નહીં ચાલે. લોકસભાની 2024ની ચૂંટણી પહેલા ચૂંટણીનો એક મહત્વનો દૌર થવાનો છે અને તેમાં સારો દેખાવ કરવા માટે કોંગ્રેસ નક્કર સંગઠન હોય તે જરૂરી છે. થોડાક રાજયોમાન પણ કોંગ્રેસનો દેખાવ સુધરશે તો લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી એકતા માટે કોંગ્રેસ પાયારૂપ બનશે.

પક્ષમાં જૂના જોગીઓને સ્થાને નવોદિતોને લાવવાની પોતાની વ્યૂહરચના વિશે રાહુલ ગાંધીએ ફેરવિચારણા કરવી પડશે અને તે માટે પક્ષે પક્ષે વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં બહેતર દેખાવ કરવો પડશે. સામાન્ય ચૂંટણી માથે ગાજી રહી છે ત્યારે જૂના જોગીઓ સાથે સંઘર્ષ કરવાને બદલે બધાએ સાથે મળીને કામ કરવું એ જ વ્યૂહરચના હોવી જોઇએ. કોંગ્રેસના વર્તમાન પ્રમુખ બળવાખોર 23 નેતાઓના અગ્રણી ગુલામનબી આઝાદ સાથે સમાધાનની પ્રક્રિયા હાથ ધરવી જોઇએ, ભલે આઝાદે કારોબારીની બેઠક પછી કહ્યું હોય કે મેં કયારે સોનિયાજીના નેતૃત્વને પડકાર્યું? આઝાદનું આ વિધાન સમાધાન માટેનું પગથિયું બનવું જોઇએ.

આઝાદના વતન રાજય જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આઝાદની સેવાઓના મહત્તમ ઉપયોગદ્વારા તેમને વિશ્વાસમાં લેવો જોઇએ. આઝાદના સક્રિય સાથ વગર કોંગ્રેસને આ ચૂંટણીમાં ફાંફાં પડી જશે. પક્ષના વ્યૂહરચનાકારોએ ખાતરી બધ્ધ વ્યવસ્થા કરવી જોઇએ કે સંગઠનની ચૂંટણીનો કાર્યક્રમ પક્ષમાં શુભેચ્છાનું વાતાવરણ સર્જાય અને બળવાખોરો સહિત બધા ભેદભાવ ભૂલી જઇ ખુશ મિજાજમાં સંગઠનની ચૂંટણી લડે. સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા પારદર્શક હોય તે પક્ષના અને ગાંધી પરિવારના હિતમાં છે. ખરેખર તો પક્ષના સર્વોચ્ચ પદ માટે સ્પર્ધા જ ન હોવી જોઇએ. પણ નવા પ્રમુખની ચૂંટણી માટે મતપત્રકની પધ્ધતિ વપરાય તે આદર્શ ગણાય.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top