SURAT

રેલવે મંત્રાલયના IRSDCનું વિસર્જન, પરંતુ સુરત-ઉધનાના નવા રેલવે સ્ટેશનની કામગીરીને અસર નહીં થાય

સુરત: (Surat) દેશમાં વિવિધ રેલવે સ્ટેશનને (Railway Station) વિકસાવવા માટે રેલવે મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલો આઈઆરએસડીસી વિભાગ કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે, આ વિભાગ બંધ કરી દેવા છતાં પણ સુરત તેમજ ઉધનાના નવા રેલવે સ્ટેશનના પ્રોજેકટને કોઈ અસર થશે નહીં. આ બંને પ્રોજેકટ પીપીપીના ધોરણે કરવાના હોવાથી આઈઆરએસડીસી (IRSDC) બાદ હવે રેલવેના ઝોન દ્વારા આ પ્રોજેકટોને આયામ આપવામાં આવશે. ઉધનાના નવા રેલવે સ્ટેશન (Udhna Railway Station) માટે કામગીરી શરૂ થઈ ચૂકી છે પરંતુ સુરત રેલવે સ્ટેશનને નવું બનાવવાનો પ્રોજેક્ટ છેલ્લા ઘણા સમયથી વિલંબમાં ચાલી રહ્યો છે ત્યારે હવે ઝોનને કામગીરી સોંપાતા તેમાં ઝડપ આવશે કે કેમ? તે સમય જ કહેશે.

સને 2012માં તત્કાલિન યુપીએ સરકાર દ્વારા આઈઆરસીડીસીના નામથી એસપીવી બનાવવામાં આવ્યું હતું. આ એસવીપી બન્યા બાદ પણ ગણતરીના રેલવે સ્ટેશનોનો જ વિકાસ થઈ શક્યો છે. જ્યારે અન્ય સ્ટેશનોની કામગીરી હજુ બાકી જ છે. આ સંજોગોમાં સત્તાના વિકેન્દ્રીકરણના ભાગરૂપે આઈઆરસીડીસીનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે. નવા પ્રોજેકટ તેમજ સાથે સાથે હાલમાં ચાલી રહેલા તમામ પ્રોજેકટ હવે જે તે ઝોન સંભાળશે. એટલે કે સુરત અને ઉધના રેલવે સ્ટેશનના પ્રોજેકટને વેસ્ટર્ન ઝોન દ્વારા સંભાળવામાં આવશે. જોકે, વેસ્ટર્ન રેલવેના મોટા પ્રોજેક્ટનો અનુભવ નથી. આ સંજોગોમાં સુરત અને ઉધના રેલવે સ્ટેશનને નવા બનાવવા માટેની કામગીરી કેટલી ઝડપી થાય તેના પર નજર છે.

અત્યાર સુધી સુરત અને ઉધના રેલવે સ્ટેશનની શું કામગીરી થઈ?

  • છેલ્લા દોઢ દાયકાથી સુરત રેલવે સ્ટેશનના ડેલવપમેન્ટની વાતો કાગળ પર કરવામાં આવી રહી છે.
  • હવે વેસ્ટર્ન રેલવેએ સુરત અને ઉધના સ્ટેશનની તમામ કામગીરી કરવાની રહેશે.
  • આઇઆરએસડીએસ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી. તે કામગીરી હવે સ્થાનિક ઝોન કરશે.
  • સુરતના નવા રેલવે સ્ટેશન માટે છેલ્લા બે વખતની ટેન્ડર પ્રક્રિયા આઈઆરસીડીસી દ્વારા દ્વારા કરવામાં આવી હતી.
  • જોકે, આ બે ટેન્ડર પ્રક્રિયામાં સફળતા નહીં મળી હોવાથી હવે વેસ્ટર્ન રેલવે કેવી રીતે આ ટેન્ડર પ્રોસેસ કરે છે તે મહત્વનું છે.
  • હાલમાં રેલવે મંત્રી દર્શના જરદોષ બન્યા પછી આ કામગીરી ફરીથી કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

સુરત અને ઉધના રેલવે સ્ટેશન પ્રોજેકટ માટેની કામગીરીમાં હવે ઝડપ આવશે: કેન્દ્રીય રેલવે મંત્રી દર્શના જરદોષ
સુરતના સાંસદ અને કેન્દ્રના રાજ્ય કક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, આઈઆરએસડીસી બંધ કરી દેવાથી સુરત અને ઉધનાના રેલવે સ્ટેશનને નવા બનાવવા માટેના પ્રોજેકટને કોઈ જ અસર થશે નહીં. સુરત રેલવે સ્ટેશનને નવું બનાવવા માટેની કામગીરી પીપીપી ધોરણે કરવાની છે. જેથી તેનાથી રેલવેને કશો ફરક પડતો નથી. અગાઉ આઈઆરએસડીસી લેવલે મોનિટરિંગ થતું હતું. હવે વેસ્ટર્ન રેલવે દ્વારા તેનું મોનિટરિંગ કરાશે. જેથી કામગીરી ઝડપી બનશે.

Most Popular

To Top