Columns

ખુશી મેળવવા માટે

એક ખૂબ જ ધનિક શેઠ અને શેઠાણી હતાં.તેમની પાસે બધું જ હતું. ભરપૂર પૈસા, સુખ સાહ્યબી અને એશોઆરામ, કોઈ કમી ન હતી.તેમનો એકનો એક દીકરો હતો. તેઓ ખૂબ ખુશ હતા અને અચાનક એક અકસ્માતમાં તેમના એકના એક પુત્રનું મોત થયું અને જાણે શેઠ અને શેઠાણી પર આભ તૂટી પડ્યું.તેમની ખુશીઓ પુત્ર સાથે જતી રહી. તેઓ હસવાનું ભૂલી ગયા. આમ ઘણાં વર્ષો પુત્રની યાદમાં રડતાં રડતાં વિતાવ્યાં.શેઠ અને શેઠાણી બન્ને એકબીજાને દુઃખ ભૂલવાનું કહેતાં, પણ પોતે દુઃખ ભૂલી શકતાં ન હતાં.

એક દિવસ ગામમાં એક સંત આવ્યા.શેઠ શેઠાણી તેમની પાસે ગયાં અને પોતાના જીવનનું દુઃખ જણાવતા વિનંતી કરી, ‘સંતશ્રી, અમારા જીવનનું દુઃખ અમે ભૂલી શકીએ અને ફરીથી અમે થોડી ખુશીનો અનુભવ કરી શકીએ તેવો કોઈ રસ્તો બતાવો. તમે કહો તેટલું ધન અમે તમને આપીશું.’ સંત બોલ્યા, ‘તમારે ખુશ થવું તમારા હાથમાં છે અને તમારા દુઃખને ભૂલવું કઈ રીતે તેનો રસ્તો હું તમને બતાવી શકું છું.’ શેઠ અને શેઠાણીએ કહ્યું, ‘કયો રસ્તો?’ સંત બોલ્યા, ‘હું રસ્તો બતાવીશ, પણ તે સહેલો નથી અને તેની પર ચાલવું તમારે જ પડશે.’ શેઠ બોલી ઊઠ્યા, ‘તમે રસ્તો તો બતાવો, ગમે તેટલા પૈસા ખર્ચાશે અમે તેની પર ચાલીશું.’

સંત બોલ્યા, ‘શેઠ સાચો આનંદ મેળવવો હોય તો પહેલાં યાદ રાખો કે પૈસાથી જ ખુશી ખરીદી શકાતી નથી, નહિ તો તમે તે અત્યાર સુધી ખરીદી જ લીધી હોત.અહીં મારી પાસે ન આવ્યા હોત.ખુશી મેળવવા માટે ઘણા એવા અઘરા કાર્ય કરવાના નિર્ણય કરવા પડે છે.’ શેઠ બોલ્યા, ‘આપ કહો ને કેવાં અઘરાં કાર્યો કરવાં જોઈએ, અમે તે કરીશું.’ સંત બોલ્યા, ‘અઘરાં કાર્યો જેવાં કે રોગી અને બીમારની સેવા કરવી….રડતા બાળકના આંસુ લૂછી તેને શાંત રાખવું…કોઈ અનાથ –અપંગ-માનસિક અશક્ત બાળકની જવાબદારી લઇ તેને મોટું કરવું…

આવાં થોડાં કઠીન કાર્યો કરવાથી તમે જીવનમાં એક દિશા અનુભવશો અને ધીમે ધીમે તમારું દુ:ખ જે તમને પરેશાન કરે છે તેને ભૂલવા લાગશો અને જીવનમાં જે સેવા કાર્યો કરો છો તેમાંથી તમને ખુશી મળશે.’ શેઠ બોલ્યા, ‘અમારા માટે આ કાર્યો કરવાં અઘરાં છે. અમે અમારું કોઈ કામ પણ જાતે કરતા નથી….’ સંત તરત બોલ્યા, ‘તો પછી તમે ખુશીનો અનુભવ ફરી કરવાનું ભૂલી જ જાવ.કારણ કે ખુશી મેળવવી હશે તો કોઈ તકલીફ અને દુઃખી વ્યક્તિના આંસુ લૂછવાં પડશે. તેમની સેવા કરવી પડશે.સંપત્તિ નહિ, પણ સેવા અને સંવેદના તમને ખુશી આપી શકશે.’સંતે ખુશી મેળવવાનો રસ્તો સમજાવ્યો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top