ભેળસેળ ક્યાં નથી? અનાજ, કઠોળ, મરી મસાલા હોય કે ફરસાણ, મીઠાઈ હોય, ભેળસેળીયાઓ લોકોના આરોગ્ય સાથે ખતરનાક ચેડાં કરી રહ્યા છે. એને રોકવા આરોગ્યતંત્ર ખાસ સફળ નથી થયું. હમણાં તહેવારોમાં દરોડા પાડી આરોગ્ય વિભાગ ફરસાણ, મીઠાઈઓનું ચેકીંગ હાથ ધરી નમૂના સીલ કરીને લેબ ટેસ્ટિંગ માટે મોકલે છે. પરંતુ ટેસ્ટિંગનું રિઝલ્ટ આવે તે પૂર્વે મીઠાઈ કે ફરસાણ લોકોના પેટમાં પહોંચી ગયા હોય છે..! વળી, ભેળસેળીયાઓને દાખલારૂપ સજા થઈ હોય એવુંય સાંભળવા મળતું નથી.
પ્રમાણિકતાપૂર્વકનું નિયમિત ચેકીંગ અને કડક સજાની જોગવાઈ અને અમલ નહીં થાય ત્યાં સુધી આમ જ ચાલશે. આમાં સ્વાદપ્રિય પ્રજાનોય વાંક એટલો જ છે. ફરસાણ/ મીઠાઈમાં વપરાતા અખાદ્ય અને અત્યંત નુકસાનકારક પદાર્થો વિશે અવારનવાર વાંચવા-સાંભળવા મળે છે છતાં ઝેર પેટમાં પધરાવી શરીરની ઉપાધિ વહોરવાનું જાણે કોઠે પડી ગયું છે..! પૈસા ખર્ચીને જે અને જેવું મળે તેવું ચલાવી લેવાની વૃત્તિ સમાજની તંદુરસ્તી માટે જોખમી છે.
સુરત – સુનીલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.