Columns

ઈર્ષ્યા ખુશીની ચિતા

એક આંબા વાડીમાં એક કોયલ રહે.દુર દુર સુધી આંબાના ઝાડ …લીલીછમ હરિયાળી …આંબાની છાયામાં તેની ડાળ પર મસ્ત હીંચકા હીંચકા ખાતા ખાતા કોયલ પોતાની મસ્તીમાં ટહુકા કરે.કોયલ નો મીઠો મધુર ટહુકાર આખા વાતાવરણને સરસ ખુશીથી ભરી દે.જે આ ટહુકો સાંભળે તેના મુખ પર આનંદ ફરી વળે અને સાંભળનારના મુખમાંથી વાહ શું સ્વર છે …વાહ શું ટહુકો છે તેવા શબ્દો સરી જ પડે. કોયલનો સુંદર કંઠ એટલો મધુર હતો કે પોતાના પંચમ સુરના વખાણ ચારે બાજુ સાંભળી તે ખુશીથી છલકાઈ જતી.એક દિવસ બહુ વહેલી સવારે શાંત વાતાવરણ હતું.અને એકદમ શાંત વાતાવરણમાં સુંદર પ્રભાતે કોયલે પોતાના પંચમ સુરના ટહુકાનો ટહુકાર શરુ કર્યો.તેને તેના પોતના જ સૂરનો પડઘો સંભળાયો.

કોયલને ખ્યાલ ન આવ્યો કે આ તેના પોતાના ટહુકાનો પડઘો છે.અને તેને થયું કે ‘આ કોઈ બીજી કોયલ અહીં આંબા વાડીમાં આવી છે અને તે પણ મારા જેવાજ સુંદર પંચમ સૂરમાં મીઠો ટહુકો કરે છે.’ બસ તેનું મન આ બીજી કોયલ અને તેના મીઠા મધુરા સુરની ઈર્ષ્યા કરવા લાગ્યું.તેનું મન એમ વિચારીને દુઃખી થવા લાગ્યું કે હવે આ બીજી કોયલ પણ મધુર સુર છેડશે ને બધા તેના પણ ભરપુર વખાણ કરશે.બધા મારા વખાણ નહિ કરે…બધા મારા મીઠા સૂરને ભૂલી જશે…આવા આવા વિચારોથી તે વધુ ને વધુ દુખી થવા લાગી અને તે દુઃખ અને ઈર્ષ્યામાં પોતે મીઠા સુર છેડવાનું જ ભૂલી ગઈ.તેનો આનંદ હવા બનીને ઉડી ગયો.

કોયલ હવે દુઃખી રહેતી હતી …આખો દિવસ આમતેમ ઉડતી બીજી કોયલને શોધતી રહેતી હતી.તેના મનમાં ઈર્ષ્યા રોજ રોજ વધતી જતી હતી.ક્યારેક તેને થતું અહીંથી હું બધું છોડી ભાગી જાઉ…ક્યારેક વિચારતી કે પેલી કોયલ મળે તો તેને ચાંચ મારી મારીને હુમલો કરી ભગાડી દઉં.આખો દિવસ બસ આવા ઈર્ષ્યા ભરેલા વિચારોએ તેના માની શાંતિ છીનવી લીધી …તેના ગળાના મીઠા સુર ભુલાવી દીધા …તેના દિલની ખુશી છીનવી લીધી.

એક ખોટી ઈર્ષ્યા કોયલના બધા જ સુખની દુશ્મન બની ગઈ.કોયલના મીઠા સુર …મીઠા સૂરથી ભરેલું સુંદર વાતાવરણ …મીઠા સુર સાંભળીને ખુશ થતા વખાણ કરતા લોકો …અને વખાણ સાંભળી કોયલને મળતી ખુશી બધું જ આ ઈર્ષ્યાની આગમાં બળી ગયું.કોયલ ગાતા ભૂલી ગઈ..લોકો તેના ટહુકાને ભૂલી ગયા.એક ખોટી ઈર્ષ્યા કોયલના બધા સુખની ચિતા બની ગઈ. આ નાનકડી વાત વાંચીને ચેતી જજો.ઈર્ષ્યા આપણા સુખની દુશ્મન છે.આપણે તે જાણી શકતા જ નથી અને વારંવાર ઈર્ષ્યાને કારને દુઃખી થતાં રહીએ છીએ.આપણે જેની ઈર્ષ્યા કરીએ છીએ તેને તો જાણ હોય કે ન હોય કોઈ જ ફરક પડતો નથી.ઈર્ષ્યા તમારી ખુશીઓની ચિતા બની તેને રાખ કરી નાખે છે         
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top