Charchapatra

આઇ પી એલ ક્રિકેટ, ગાવસ્કરની નજરે

સુનીલ ગાવસ્કર, એક સિદ્ધહસ્ત ક્રિકેટર. એક સમયના વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓપનીંગ બેટ્સમેનમાં જેમની ગણના થતી હતી અને ‘ગુજરાતમિત્ર’માં જેઓ ‘ લેઇટ કટ ‘ નામની કોલમ લખે છે તેમણે તા.૩ ઓકટોબર ૨૦૨૧ ની તેમની આ કોલમમાં એકદમ સચોટ વાત લખી છે. તેઓ લખે છે કે આઇ. પી. એલ. ના દબાણમાં ખેલાડીઓ સારા – ખરાબ ક્રિકેટ વચ્ચેનું અંતર ભૂલી જાય છે. આઇ. પી. એલ.  સૌથી મુશ્કેલ ટી – ૨૦ લીગ હોય છે તેનું કારણ એ નથી કે તેમાં વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ રમતા હોય છે પણ ઇનામો મોટાં હોય છે. એક નીવડેલ ક્રિકેટરનું આ એકદમ સાચું અવલોકન છે.ક્રિકેટ પાછળ એકદમ ગાંડા એવા આપણા દેશનાં ક્રિકેપ્રેમીઓએ ગાવસ્કરની આ વાત સમજવા જેવી છે. આઇ. પી. એલ. એ માત્ર અને માત્ર પૈસા માટે રમાતી રમત છે.

ક્રિકેટની મૂળ રમતને ભૂલીને ઉડજુડીયુ ક્રિકેટ રમાય છે. જીતનારને પ્રમાણમાં ઘણી મોટી રકમ મળતી હોવાને કારણે ક્રિકેટરો બેફામ સ્ટ્રોક રમવા માટે પ્રેરાય છે જે બિલકુલ અનુચિત છે. બીજું, આઇ. પી. એલ. ની સીધી અસર ટેસ્ટ મેચ રમાતી હોય તેના પર પડી છે તે નિર્વિવાદ હકીકત છે. પહેલાં જ્યારે ટેસ્ટ મેચ રમાતી ત્યારે બન્ને ટીમના ખેલાડીઓની ખરી કસોટી થતી એટલું જ નહીં, પરિણામ તદ્દન સાચા આવતા. હવે તો ટેસ્ટ મેચનાં પરિણામો અઢી-ત્રણ કે ચાર દિવસમાં આવતાં થઈ ગયાં છે, જેનું કારણ આઇ. પી. એલ. ક્રિકેટ છે. ક્રિકેટ પાછળ એકદમ ગાંડા એવા આપણા દેશના ક્રિકેટરસિયાઓએ આ વાત સમજવા જેવી છે અને ગાવસ્કર જેવા દિગ્ગજ ક્રિકેટરના અભિપ્રાય પછી ક્રિકેટની રમત પાછળનું ગાંડપણ દૂર કરવું જોઈએ. તેમ કરવાથી પ્રજાના અમૂલ્ય સમયનો પણ બચાવ થશે અને દેશનો પૈસો પરદેશમાં જતો પણ અટકશે અને કિંમતી વિદેશી હૂંડિયામણનો પણ બચાવ થશે.
સુરત     – સુરેન્દ્ર દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top