Columns

ભાગ્ય બદલવાની તાકાત

એક માણસ જિંદગીથી થાકેલો અને હારેલો આમથી તેમ રખડતો હતો.પોતાના જીવનમાં રહેલી અગણિત મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો.એક દિવસ બસ આમ જ ફરતાં ફરતાં તે એક ઝાડ નીચે બેઠો હતો ત્યાં એક ફકીર સાધુ ત્યાંથી પસાર થયા અને તેને જોઈને બોલ્યા, ‘બચ્ચા, બહુ મુશ્કેલીઓ છે…કોઈ માર્ગ મળતો નથી.’ પેલો માણસ ચોંક્યો કે મારું મોઢું જોઇને ફકીરે આમ કેમ કહ્યું? ફકીર તેની પાસે આવ્યો અને ફરી બોલ્યો, ‘બચ્ચા, તું મુશ્કેલીઓથી ઘેરાયેલો છે.

મને દેખાય છે કર્મનાં ફળ છે જે તારે ભોગવવાં પડશે. તે જ ભાગ્ય છે.’ માણસ ગુસ્સામાં છંછેડાઈને બોલ્યો, ‘મારું જ ભાગ્ય ખરાબ છે …અને ભાગ્યમાં જે લખ્યું હશે તે તો ભોગવવું જ પડશે ને …’ ફ્કીરબાબા હસ્યા અને બોલ્યા, ‘હા બચ્ચા, ભાગ્ય તો ભોગવવું જ પડે પણ આ સંસારમાં ત્રણ તાકાત એવી છે જે લખાયેલા ભાગ્યને પણ બદલી શકે છે.’ માણસને તે વિષે  જિજ્ઞાસા થઇ. તેણે પૂછ્યું, ‘કેવી વાત કરો છો બાબા, બધા કહે છે કે ભાગ્યમાં જે હોય તે દરેક વ્યક્તિએ સહન કરવું જ પડે છે તે કોઈ બદલી શકતું નથી.તો તમે કઈ તાકાતની વાત કરો છો?’ ફકીરબાબાએ સામો પ્રશ્ન પૂછ્યો, ‘તારા માતા પિતા ક્યાં રહે છે?’

માણસ બોલ્યો, ‘મારી સાથે જ રહે છે પણ હંમેશા મને મારી ભૂલો વિષે સંભળાવતા રહે છે.ઉતારી પાડે છે એટલે હું તો બહુ તેમની સાથે વાત જ નથી કરતો.’ ફકીરે કહ્યું, ‘તારી ભૂલ છે બચ્ચા, માતા પિતા ખીજાય કે સલાહ આપે તે સારા માટે જ હોય છે અને માતા પિતાના આશિષમાં ભાગ્ય બદલી નાખવાની તાકાત રહેલી છે.માટે આજથી જ માતા પિતાની જોડે વાતો કરજે.તેમની સેવા કરજે.’ફકીરે પૂછ્યું, ‘શું તારા કોઈ ગુરુ છે કે તું કોઈ સંત પાસે સત્સંગ માટે જાય છે?’ માણસે કહ્યું, ‘ના, કોઈ ગુરુ નથી અને સાધુ સંતો મોટે ભાગે ઢોંગી હોય છે એટલે મને તેમનામાં કોઈ વિશ્વાસ નથી.’ફકીર બોલ્યા, ‘બચ્ચા, અહીં તારી ફરી ભૂલ છે.સાધુ સંતોનો સત્સંગ તમારું મન અને વિચાર બદલી નાખે છે.બધા જ કંઈ ઢોંગી હોતા નથી અને સાચા સંતનો સત્સંગ અને ગુરુએ ચીંધેલા રાહ પર ચાલવાથી જીવન બદલાઈ જાય છે.સત્સંગમાં પણ ભાગ્ય બદલવાની તાકાત છે.’

ફકીરે ફરી પ્રશ્ન પૂછ્યો, ‘શું રોજ પરમાત્માને યાદ કરે છે?’ માણસ બોલ્યો, ‘અરે બાબા, રોજ સવાર-સાંજ મંદિરે જતો હતો.પણ ભગવાને જીવનમાં કસોટીઓ જ આપી;હવે તો પરમાત્મામાં વિશ્વાસ જ નથી રહ્યો.’ ફકીરબાબાએ કહ્યું, ‘અરે, આ તો તારી સૌથી મોટી ભૂલ છે.ભગવાન બધા પર કૃપા જ કરે છે, માત્ર સાચા સમયે ત્યાં સુધી શ્રધ્ધા જાળવી રાખવી જરૂરી છે.એ ન ભૂલ કે પરમાત્માની કૃપામાં ભાગ્ય બદલી નાખવાની સૌથી વધારે તાકાત છે.’ ફકીરે સમજાવ્યું કે માતા પિતાના આશીર્વાદ…સંતનો સત્સંગ …પરમાત્માની કૃપા ભાગ્ય બદલી શકે છે.          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top