સુરતની ‘સૂરત ‘ને બદલવા, હજી વધુ સુંદર બનાવવા દિન-પ્રતિદિન સુરત મહાનગરપાલિકા, સમાજ સુરક્ષા વિભાગ, શહેર પોલીસ તથા શહેરના જાગ્રત લોકોના સહિયારા પ્રયાસ થઈ રહ્યા છે, જે પ્રશંસનીય છે. હાલમાં સુરત શહેર એક નવતર પ્રયોગ હાથ ધરી રહ્યું છે, જે છે શહેરને ભિખારીમુક્ત કરવાનું અભિયાન. જો આ કાર્ય સફળ રહેશે તો “સુરત સોનાની મૂરત’’ વિધાન યથાર્થ થઈ પડશે. ઘણી વાર ચર્ચાપત્ર વિભાગમાં ભિખારીઓના ન્યુસન્સ તથા તેમના દ્વારા ચાર રસ્તા પર અકસ્માત થવાની ભીતિ અંગે સજાગ ચર્ચાપત્રીઓએ ધ્યાન દોર્યું હતું. રેનબસેરામાં ભિક્ષુકો ટકી રહે તે અગત્યનું છે.
કારણ કે કામ ધંધો કર્યા વગર નાનાં બાળકોને સાથે તેડીને દયામણા ચહેરે ભીખ માંગવાનો ધંધો કરનારાને બધું જ મફત જોઈતું હોય છે.રાંદેર- અડાજણ વિસ્તારમાં સાઈકલ પર નાનું બાળક અને સાવરણી ટીંગાડીને (વેચવાનું નાટક કરતાં) રેસ્ટોરેન્ટ કે ચાર રસ્તે ભીખ માગતા સાચે જ ભીખને હકદાર નથી. કેટલાક તો લોકો દ્વારા અપાયેલા બિસ્કીટના પેકેટને સંગ્રહ કરી ફેરિયાઓને કે લારીગલ્લાવાળાને વેચી રોકડી કરી લેતા હોય છે. શહેરને ભિખારીમુક્ત કરવાના આ અભિયાનમાં ફક્ત પક્ષા-પક્ષીની ખેંચતાણ ભૂલી સૌ સહકારી થાય તો સુરતની ‘ સૂરત’ હજી વધુ સુંદર બને. સુરત મનપાનાં સ્તુત્ય પગલાંને અભિનંદન આપવા ઘટે.
સુરત – અરુણ પંડ્યા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.