સુરતમાં (Surat Heavy Rain) શુક્રવારે મળસ્કેથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે શહેરીજનો સવારે ઉઠે તે પહેલાં તો ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સૌથી વધુ રાંદેર ઝોનમાં વરસાદ પડ્યો હતો, ત્યાર બાદ વરાછામાં પણ ગણતરીના કલાકોમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેરના ભટાર-વેસુ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. અહીંની ભગવાન મહાવીર કોલેજના કેમ્પસમાં પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓના જીવ ટાળવે ચોંટ્યા હતા..
ભારે વરસાદના લીધે શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. ભરથાણના ભગવાન મહાવીર કોલેજના કેમ્પસમાં 3 ફૂટ જેટલાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓના જીવ ટાળવે ચોંટ્યા હતા. રાંદેર ઝોનમાં સૌથી વધુ 40 મીમી વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ વરાછા એ અને બી ઝોનમાં 2-2 મી.મી, કતારગામમાં 14 મી.મી, ઉધનામાં 21 મી.મી., લિંબાયતમાં 11 મી.મી. અને અઠવા ઝોનમાં 21 મી.મી. વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારો ઉધના ગરનાળું, રઘુકૂલ ગરનાળું, ઉધના દરવાજા, કાદરશાની નાળ, મહાવીર કોલેજની આસપાસના વિસ્તારો, સિટીલાઈટ-વેસુ અને પાલના રસ્તાઓ પર દોઢથી બે ફૂટ પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
ઉકાઈ ડેમમાં બપોરે 2 કલાકે ઈનફલો 34,503
શહેરની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં ગઈકાલ રાતથી વરસાદે વિરામ લીધો છે, તેથી ઈનફલોમાં આંશિક ઘટાડો થયો છે. આજે બપોરે 2 કલાકે ઉકાઈ ડેમમાં પાણીની આવક 34,503 ક્યૂસેક છે. ડેમની સપાટી હવે ભયજનક 345થી માંડ અઢી ફૂટ દૂર છે. ડેમની સપાટી 342.40 ફૂટ છે. હાલ ચાર દરવાજા ખોલીને 17042 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હથનુર ડેમની સપાટી 213 મીટરને વટાવી ચૂકી છે.
મીઠીખાડી ભયજનક સ્તરની નજીક, નીચાણવાળા વિસ્તારના રહીશોમાં ફફડાટ
શહેરમાંથી પસાર થતી સીમાડા અને મીઠીખાડી ઓવરફલો થવાના ડર વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોના જીવ ઊંચા થયા છે. સીમાડા ખાડીની ભયજનક સપાટીની લગોલગ 4 મીટરે પહોંચી છે. મીઠીખાડી પણ 7.50 મીટરની ભયજનક સપાટી નજીક પહોંચી ચૂકી છે અને 7.30 મીટરે વહી રહી છે. કાકરાપાર ખાડી 5 મીટર, ભેદવાદા ખાડી 6.40 મીટર અને ભાઠેના ખાડી 5.20 મીટરે વહી રહી છે.
સુરત જિલ્લામાં સૌથી વધુ પલસાણામાં 20 મી.મી. વરસાદ પડ્યો
જિલ્લાના બારડોલીમાં આજે સવારથી બપોર સુધીમાં 7 મી.મી., ઓલપાડમાં 34 મી.મી., પલસાણામાં 20 મી.મી. વરસાદ પડ્યો છે. તાપી જિલ્લાના ડોલવણને બાદ કરતા તમામ તાલુકાઓમાં આજે વરસાદે વિરામ લીધો છે. સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ પલસાણા તાલુકામાં 53 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે સુરત જિલ્લાના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં 50 ઈંચ વરસાદ વરસ્યો છે.