Health

કોરોનાની ત્રીજી લહેરને લઈને આવ્યા મોટા સમાચાર, AIIMS ના ડો. રણદીપ ગુલેરિયાએ કરી આ વાત

કોરોનાને (Covid-19) લઈને મોટા સમાચાર આવ્યા છે. હવે કોરોના નબળો પડી ગયો છે. તેનાથી ડરવાની જરૂર નથી. દિલ્હી એઈમ્સના (AIIMS) ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના (Dr. Randeep Guleriya) જણાવ્યા મુજબ કોરોના હવે મહામારી રહી નથી અને દેશમાં કોરોનાની ત્રીજી લહેર(Third wave) આવે તેવી સંભાવના નહીંવત છે. ડૉ. ગુલેરિયાએ સતર્ક કરતા કહ્યું કે, તેનો અર્થ એ નથી કે બિન્ધાસ્ત થઈ જઈએ. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું ત્યાં સુધી જરૂરી છે જ્યાં સુધી દેશમાં દરેક નાગરિકને વેક્સીનના (Vaccination) બંને ડોઝ મુકી દેવામાં આવતા નથી.

ડૉ. રણદીપ ગુલેરીયા, AIIMS દિલ્હીના ડિરેક્ટર.
  • કોરોના હવે પહેલી અને બીજી લહેરની જેમ મોટા પ્રમાણમાં ફેલાઈ નુકસાન પહોંચાડશે નહીં
  • લોકોમાં હવે આ વાયરસ સામે લડવાની ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ આવી ગઈ છે
  • ભારતમાં પ્રાથમિકતા એ છે કે દરેક લોકોને વેક્સિનના બંને ડોઝ લગાવવામાં આવે

AIIMSના ડૉ. ગુલેરિયાના મતે કોરોનાનો વાયરસ (Covid-19) હવે સામાન્ય ફ્લૂ એટલે કે શરદી-ખાંસી અને વાયરલ તાવ જેવો થઈ જશે. કારણ કે લોકોમાં હવે આ વાયરસ સામે લડવાની ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ આવી ગઈ છે. લોકોને સાવચેત કરતા ડૉ. ગુલેરિયાએ કહ્યું કે, હજુ પણ દેશમાં રોજ 25000થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. જે ગંભીર બાબત છે. લોકો તહેવારો અને રજાઓમાં ફરવા નીકળી પડી ભીડ કરે છે તેના લીધે આ કેસો આવી રહ્યાં છે. લોકોએ કોરોના વાયરસથી (Covid-19) બચવા ભીડમાં જવું ટાળવું જોઈએ. લોકો સાવધાન રહેશે તો કોરોનાના કેસો ધીમે ધીમે ઘટી જશે.

ડો. ગુલેરિયાએ વધુમાં કહ્યું કે, કોરોના ક્યારેય સંપૂર્ણ નાબૂદ થાય નહીં, પરંતુ તેની અસર ઘટાડી શકાય છે. તેની ઘાતકતા ઘટાડવાનો એક માત્ર ઉપાય વેક્સીનેશન છે. દેશમાં જે ગતિથી વેક્સીન મુકવામાં આવી રહી છે તે જોતાં લાગે છે કે કોરોના હવે પહેલી અને બીજી લહેરની જેમ મોટા પ્રમાણમાં ફેલાઈ નુકસાન પહોંચાડશે નહીં.

ડોક્ટર ગુલેરિયાએ કહ્યું હતું કે ભારતમાં પ્રાથમિકતા એ છે કે દરેક લોકોને વેક્સિનના બંને ડોઝ લગાવવામાં આવે. બાળકોને પણ વેક્સિન આપવામાં આવે. ત્યાર પછી જ બૂસ્ટર ડોઝ પર ભાર આપવો જોઈએ. તેમણે કહ્યું હતું કે થોડા સમય પછી ખૂબ બીમાર, વૃદ્ધો અથવા નબળી ઈમ્યુનિટીવાળા લોકોને જ બૂસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે. એ પણ જરૂરી નથી કે બૂસ્ટર ડોઝ એને જ આપી શકાય જેણે અગાઉ બે વેક્સિન લીધેલી હોય. જોકે આ વિશે પહેલાં એક પોલિસી બનાવવામાં આવશે.

દેશમાં 3 લાખ એક્ટિવ કેસ, 24 કલાકમાં 383 દર્દીએ જીવ ગુમાવ્યા

બુધવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,964 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 383 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,35,31,498 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 82,65,15,754 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 75,57,529 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં કોવિડ-19 દર્દીઓના રિકવરી રેટમાં (Covid-19 Recovery Rate) પણ ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. હાલ રિકવરી રેટ 97.8 ટકા થયો છે.

Most Popular

To Top