National

J&K માં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતા મોટો અકસ્માત: હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ થતા 2 જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ -કાશ્મીર (J & K)ના ઉધમપુર જિલ્લામાં એક મોટો અકસ્માત (Accident) સર્જાયો છે અને ભારતીય સેના (Indian Army)ના હેલિકોપ્ટરનું ક્રેશ (helicopter crash) લેન્ડિંગ થયું છે. આ અકસ્માતમાં 2 જવાન શહીદ (2 martyrs) થયા છે.

હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ જમ્મુના પટનીટોપ વિસ્તારની શિવગઢ ટેકરીઓમાં થયું હતું. જમ્મુ -કાશ્મીર પોલીસ (J & K Police)ના એક અધિકારીએ જણાવ્યું કે હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ સમગ્ર વિસ્તારમાં જોરદાર અવાજ અને ધુમાડો ફેલાયો હતો. અકસ્માતમાં પાયલોટ અને કો-પાયલોટ બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઉધમપુર રિયાસી રેન્જના ડીઆઈજી (DIG) સુલેમાન ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ રવાના કરવામાં આવી છે.

આ ઘટના જિલ્લાના શિવગધ ધાર વિસ્તારમાં બની હતી, જેમાં સેનાના બે મેજર કક્ષાના અધિકારીઓ શહીદ થયા હતા. ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડે તેમની શહીદી વિશે ટ્વીટ કરીને બંનેને શ્રદ્ધાંજલિ આપી છે. આ અકસ્માતમાં મેજર રોહિત કુમાર અને મેજર અનુજ રાજપૂત શહીદ થયા હતા. ઉધમપુર રિયાસી રેન્જના ડીઆઈજી સુલેમાન ચૌધરીએ જણાવ્યું હતું કે વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છે. જો કે ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ રવાના થઈ હતી. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ માત્ર સ્થાનિક લોકો જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓએ બંને અધિકારીઓને બહાર કાઢ્યા હતા અને ત્યાં સુધીમાં પોલીસ અને સેનાની ટીમો પણ પહોંચી ગઈ હતી. બંને અધિકારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા. 

સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પટનીટોપમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. સંરક્ષણ વિભાગના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે સવારે જણાવ્યું હતું કે સેનાનું ચિત્તા હેલિકોપ્ટર પટનીટોપ વિસ્તારમાં ટ્રેનિંગ ફ્લાઇટમાં હતું. દરમિયાન ઉધમપુર જિલ્લાના શિવગઢ ધારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આમાં બે પાયલોટ ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા હતા.

સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્થાનિક ગ્રામજનોએ સૌથી પહેલા ક્રેશ થયેલ હેલિકોપ્ટર જોયું હતું અને પોલીસને જાણ કરી હતી. ગામલોકોએ બંને પાયલોટને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરમાંથી બહાર કાઢ્યા અને તેમને હોસ્પિટલ લઈ ગયા. બંને પાયલોટનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

Most Popular

To Top