Business

આ લાડુમાંથી કેલરી ઉપરાંત બીજું શું શું મેળવ્યું?

લગભગ બે વર્ષ બાદ .. લોકોએ આ વર્ષે થોડો હાશકારો અનુભવ્યો. હા, ચોક્કસ નિયમોને અનુસરીને પરંતુ થોડી ઝાકઝમાળ, આનંદ અને ઉત્સાહ આ ગણેશોત્સવને લીધે લોકોમાં આવ્યો.  ખુશીની વહેંચણી હોય કે મૃત્યુ બાદ કરાતી ઉત્તરક્રિયા હોય, લાડુએ આપણા જીવનમાં પોતાનું અદકેરું સ્થાન જમાવ્યું છે. ગોળ આકાર એ પૃથ્વીના અણુ અને બ્રહ્માંડનું પ્રતીક છે. અહીં આપણે એ જોવાના છીએ કે આ નાનકડા મીઠ્ઠા ગોળામાં સ્વાસ્થ્યનો કેટલો મોટો ખજાનો આપણા વડવાઓ ભરીને બેઠા છે અને …કેલરી કોન્શસ લોકો “

માય ગોડ, …it’s too high in calories!!!!!”  કહીને એને ખાવાનું ટાળતાં હોય પણ કદાચ કેટલાંય લોકોને આ ‘લાડુ’ નું ઐતિહાસિક અને પોષણની દ્રષ્ટિ એ શું મહત્ત્વ છે તે ખબર જ નથી. તો આ ગણેશોત્સવ દરમિયાન આપણે કેલરી ઉપરાંત  બીજાં કયાં કયાં મહત્ત્વનાં પોષક તત્ત્વો આપણા શરીરમાં ઉમેર્યાં? લાડુ એ એક માત્ર એવી મીઠાઈ છે જે સમગ્ર ભારતમાં દરેક રાજ્યમાં બને અને મળે છે. અલબત્ત, દરેક સ્થળે ત્યાં ઉપલબ્ધ દ્રવ્યો દ્વારા લાડુ બનતા હોય. લાડુ રવાના, ઘઉંના જાડા લોટના, તલના, મેથીના, બુંદીના, કોપરાના, બેસનના એમ અલગ અલગ જાતના બને.

લાડુનું ઐતિહાસિક મહત્ત્વ અને એના આહારશાસ્ત્રની દ્રષ્ટિએ ફાયદા :

આયુર્વેદમાં મેથી અને સૂંઠમાંથી લાડુ બનાવી તરુણીઓને દવા તરીકે આપવામાં આવતાં એવો ઉલ્લેખ છે. અહીં મેથી અને સૂંઠ તરુણાવસ્થામાં આપવાથી હોર્મોન્સ કાબૂમાં રહે અને ગર્ભાવસ્થા તથા મેનોપોઝ દરમ્યાન કોઈ તકલીફ ન પડે એવું માનવું હશે અને પોષણવિજ્ઞાન પણ એની સાથે સહમત છે કારણ અહીં મેથીનો ઉપયોગ ઈસ્ટ્રોજન નામના સ્ત્રી હોર્મોનના ઉત્પાદન માટે ખૂબ જરૂરી છે.

– વેદોમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ ઇ સ. પૂર્વે ચોથી સદીમાં  સુશ્રુત દ્વારા તલ અને ગોળના લાડુનો ઇન્ફેક્શન પર કાબૂ મેળવવા અને તૂટેલાં હાડકાંના ઝડપી જોડાણ માટે ઉપયોગ થતો. પોષણશાસ્ત્ર કહે છે કે તલમાં પુષ્કળ માત્રામાં કેલ્શિયમ છે અને ગોળમાં લોહતત્ત્વ જે ચોક્કસ હાડકાં અને અન્ય અંગો માટે ફાયદાકારી છે.

– ધર્મગ્રંથો મુજબ ગણેશજીને પૂજામાં લાડુ એટલે કે ઘઉં, ગોળ અને ઘીનો પ્રસાદ ધરાવાય અને આહારશાસ્ત્રની દ્રષ્ટિએ આ સામગ્રી આપણને પ્રોટિન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, આયર્ન, કેલ્શિયમ, વિટામિન્સ અને ખનીજ તત્ત્વો પૂરતા પ્રમાણમાં આપે. જે બધી ઉંમરની વ્યક્તિઓનાં વૃદ્ધિ, વિકાસ અને સારવાર માટે જરૂરી છે. ( હા, ડાયાબિટીસના દર્દીઓ તથા હૃદયરોગીઓ ડાયટિશ્યનની સલાહ મુજબ એનું પ્રમાણ નક્કી કરી શકે!) – ઉપવાસમાં ખવાતા ખજૂર અને શીંગદાણાના લાડુ એ લોહતત્ત્વ અને વિટામિન બીનો ખજાનો છે. ખાસ કરીને વધતાં બાળકો માટે તે ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે. – ઉત્તર ભારતમાં ખવાતા બેસન અને બુંદીના લાડુ પ્રોટિન અને કાર્બોહાઈડ્રેટનો ખજાનો છે. હા, ચોક્કસ ઘીની માત્રા વધુ હોવાને કારણે ફેટ પણ વધુ હોઈ જ શકે.

– મહારાષ્ટ્રમાં શાલિગ્રામ આકારના મોદક જે ચોખાના લોટ, નારિયેળ અને સાકર વાપરી બનાવવામાં આવે છે. ખૂબ સારું વિટામિન બી૧ ધરાવવાની સાથે આ લાડુ મીડિયમ ચેઇન ટ્રાય ગ્લીસેરાઇડ ધરાવે જે પાચનતંત્રની તકલીફો દૂર કરવામાં મદદરૂપ થાય. – દેશના અન્ય ભાગોમાં રાગી અને કોપરાના લાડુનો કેલ્શિયમ સપ્લીમેન્ટ તરીકે ઉપયોગ થાય છે. આ લેખ દ્વારા આપણે જાણ્યું કે લાડુ માત્ર કેલરી જ નહિ પણ અન્ય પોષક તત્ત્વો પણ પુષ્કળ પ્રમાણમાં આપે છે. લાડુ એ આપણો સ્વાદિષ્ટ, ઐતિહાસિક અને ધાર્મિક વારસો છે જેનું જતન પેઢી દર પેઢી થવું જ જોઈએ. ચોક્કસ એ કેટલી માત્રામાં આરોગવો તે આપના ડાયટિશ્યનને નક્કી કરવા દો.

Most Popular

To Top