આણંદ : આણંદના સદાનાપુરા ખાતે રહેતા યુવકે એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ચાર વર્ષ પહેલા ભગાડી જઇ દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં પોલીસે તેની અટક કરી કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો. જ્યાં ન્યાયધિશે તેને દસ વર્ષની કેદની સજા ફરમાવી હતી. સદાનાપુરા ખાતે રહેતો ભાવેશ જીતેન્દ્રભાઈ તળપદા (ઉ.વ.21)એ સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેને લગ્નની લાલચ આપી જાન્યુઆરી,2017મા ભગાડી ગયો હતો.
આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ભાવેશ તળપદાને 19મી ફેબ્રુઆરી,2017ના રોજ પકડી પાડ્યો હતો. આ કેસમાં સગીરાના નિવેદન અને મેડિકલ તપાસમાં ભાવેશે દૂષ્કર્મ આચર્યું હોવાનું ખુલતાં પોલીસે કલમ ઉમેરી ચાર્જશીટ બનાવી હતી. આ ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી. આ સમગ્ર કેસ ચાલી જતાં સરકારી વકિલ એ.કે. પંડ્યાની દલીલ અને પુરાવાને ધ્યાને લઇ ન્યાયધિશે ભાવેશને કસુરવાર ઠેરવી સાત વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો છે.
આ ચુકાદામાં આઈપીસી 363માં ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂ.5 હજારનો દંડ. જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા. આઈપીસી 366માં સાત વર્ષની સખત કેદ અને રૂ.10 હજારનો દંડ. જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજા. આ ઉપરાંત પોક્સોની કલમ અંતર્ગત દસ વર્ષની સખત કેદની સજા તથા રૂ.20 હજારનો દંડ, દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. આ તમામ સજા એક સાથે ભોગવવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત રૂ. ચાર લાખ ભોગ બનનારને વળતર તરીકે પણ ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે.