વડોદરા : શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રહેતા અને ખેતી કામ તથા આર્કિટેક વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષીય આધેડની સવાદ ગામે આવેલી કિંમતી જમીન ન્યુવીઆઈપી રોડના ભરવાડ ત્રિપુટીએ પચાવી પાડવા ઓરડી બાંધી કબ્જો જમાવતા ભરવાડ ત્રિપુટી વિરુદ્ધ કલેકટરના આદેશ બાદ બાપોદ પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી બાલકૃષ્ણ સોસાયટી ખાતે રહેતા આશિષભાઈ કનુભાઈ અમીન ખેતી કામ તથા આર્કિટેક વ્યવસાય સાથે સંકળાયેલા છે . તેઓ સવાદ ગામે સર્વે નંબર 181ની જમીન ની માલિકી ધરાવે છે. તે જમીન ખુલ્લી હોવાથી તેઓએ જમીનની ફરતે દીવાલ બનાવેલ છે.
દરમિયાન 9 મહિના પહેલા લાલાભાઇ સુરાભાઈ ભરવાડ, ખેંગારભાઈ સુરાભાઈ ભરવાડ અને ગગજીભાઇ સુરાભાઈ ભરવાડ (તમામ રહે – રઘુકુળ સ્કૂલ ની પાછળ, ન્યુ.વી.આઈ.પી રોડ) એ જમીનમાં ગેરકાયદેસર રીતે કબજો કરી પચાવી પાડી જમીનમાં બે પતરાવાળી ઓરડીનું બાંધકામ કરી નાખ્યું હતું. તેમજ તે જમીનનો ઉપયોગ કરી હાલમાં કબ્જો ધરાવે છે. ત્યારે તેઓએ જમીન ખાલી કરવા અંગે કહેતાં ત્રિપુટીએ ઈનકાર કર્યો હતો. ત્યારે તેઓએ ભરવાડ ત્રિપુટી વિરુદ્ધ કલેકટરને અરજી સ્વરૂપે રજૂઆત કરી હતી. જેથી કલેક્ટરે આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધવા આદેશ આપ્યો હતો. તુરે બનાવ અંગે તેઓએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભરવાડ ત્રિપુટી વિરુદ્ધ આઇપીસી લેન્ડ ગ્રેબિંગ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.