National

પાંચમી ટેસ્ટ મેચ રદ, ઈંગ્લેન્ડે કહ્યું ભારત ટીમ ઉતારી શક્યું નહીં અમને વિજેતા જાહેર કરો, વિવાદ સર્જાયો

ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાનારી સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેના અધિકૃત ટ્વીટર પર આ અંગે જાહેરાત કરી છે. ભારતીય ટીમમાં કોરોનાના કેસ વધવાની આશંકાના પગલે ભારત ટીમ મેદાનમાં ઉતારવામાં અસમર્થ રહી છે. ઈસીબીએ ચાહકોની માફી માંગી છે. આ અગાઉ ગુરુવારે ભારતીય ટીમના ફિઝીયોનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારથી જ પાંચમી ટેસ્ટ રદ થવાની વાતો ચર્ચાતી હતી. જોકે, ભારતીય ટીમના ખેલાડીઓનો ટેસ્ટ નેગેટીવ આવ્યો તે રાહતની બાબત છે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પાંચમી ટેસ્ટ મેચ રદ કર્યાની જાહેરાત કરતા કહ્યું કે, બીસીસીઆઈ સાથે થયેલી ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે. બીસીસીઆઈના અધિકારીઓ સાથે આજે બેઠક કરી હતી. જેમાં મેચને એકાદ-બે દિવસ ટાળવા અંગે પણ વિચારણા કરાઈ હતી. પરંતુ છેલ્લે એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફર્ડમાં આજે શુક્રવારથી શરૂ થનારી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચને સંપૂર્ણપણે રદ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો.

ભારતીય ક્રિકેટ ટીમમાં કોરોના વાયરસનું સંક્રમણ વધવાની આશંકાના પગલે માન્ચેસ્ટર ખાતે રમાનારી પાંચમી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે ત્યારે ઈંગ્લેન્ડના એક નિવેદનથી સમગ્ર મામલે વિવાદ ઉભો થયો છે. ભારતીય ટીમ ખેલાડીઓ ઉતારી નહીં શકી હોય પાંચમી ટેસ્ટના વિજેતા જાહેર કરવા ઈંગ્લેન્ડે માંગ કરી છે, જેનો ભારતીય ખેલાડીઓએ વિરોધ કર્યો છે. જો ઈંગ્લેન્ડને પાંચમી ટેસ્ટમાં વિજેતા જાહેર કરાય તો સિરિઝ 2 – 2 થી ડ્રો માનવી પડશે. આ સમગ્ર મામલે બીસીસીઆઈના અધિકૃત નિવેદનની રાહ જોવાઈ રહી છે.

ગુરુવારે બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ પાંચમી ટેસ્ટ મેચ રમાવા અંગે શંકા વ્યક્ત કરી હતી. ગાંગુલીએ કહ્યું હતું કે, પાંચમી ટેસ્ટ રમાશે કે નહીં તે કહી શકાય તેમ નથી. આ અગાઉ ભારતીય ટીમના વિકેટ કિપર દિનેશ કાર્તિકે પાંચમી ટેસ્ટ મેચ શુક્રવારથી નહીં રમાશે તેમ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. પોતાના ટ્વીટર હેન્ડલ પર દિનેશ કાર્તિકે લખ્યું હતું કે, નો પ્લે ટૂડે, ઓકે ટાટા, બાય બાય..

ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફના ત્રણ સભ્ય ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ દરમિયાન જ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. ત્યાર બાદ આસિસ્ટન્ટ ફિઝીયો યોગેશ પરમારનો કોવિડ 19નો ટેસ્ટ પાંચમી ટેસ્ટના એક દિવસ પહેલાં ગુરુવારે પોઝિટીવ આવ્યો હતો. જેના પગલે ભારતીય ટીમના તમામ ખેલાડીઓનો કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. ત્યાર બાદ ઈંગ્લેન્ડ અને ભારતીય ક્રિકેટ બોર્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ નિર્ધારિત સમયે શરૂ કરવા સંમત થયા હતા. આ મુદ્દે બંને બોર્ડ વચ્ચે આજે ફરી એકવાર થયેલી ચર્ચામાં અંતે મેચ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.

ઈસીબી અને બીસીસીઆઈની બેઠકમાં લેવાયો નિર્ણય, ટેસ્ટ સિરીઝમાં ભારત 2-1થી આગળ

નોંધનીય છે કે સિરીઝની અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ મેન્ચેસ્ટરમાં શુક્રવારે તા. 10 સપ્ટેમ્બરના રોજથી શરૂ થનારી હતી. આ સિરીઝની અગાઉ રમાઈ ચૂકેલી ચાર ટેસ્ટ મેચમાં ભારત 2-1થી આગળ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ ડ્રો થઈ હતી. સિરીઝની બીજી ટેસ્ટ મેચ ભારત જીત્યં હતું. ત્રીજી મેચ ઈંગ્લેન્ડે પોતાના નામે કરી હતી જ્યારે ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન દાખવી જીત હાંસલ કરવા સાથે સિરિઝમાં 2-1 થી આગળ રહી હતી.


Most Popular

To Top