Business

ડાયમંડ્સ આર ફોર એવર

સુરત સોનાની મૂરત’ આ પ્રચલિત કહેવતને હવે બદલીને ‘સુરત હીરાની મૂરત’ કહેવું જોઈએ. આજે ભારતનું જે શહેર, સૌથી વધુ ઝડપથી વિકાસ પામી રહ્યું છે એ ‘સુરત’ વિશ્વનું સૌથી આગળ પડતું કટીંગ અને પોલિશિંગ ડાયમંડ મેન્યુફેક્ચરીંગનું કેન્દ્ર બની ગયું છે. વિશ્વમાં જે રફ ડાયમંડ્સ પોલિશ થાય છે એમાંના પંદરમાંથી ચૌદ હીરાઓ સુરતમાં જ પોલિશ થાય છે. આજે સુરતમાં 8000થી વધુ ડાયમંડ કટીંગ અને પોલિશિંગ યુનિટ છે, એમાં 50,00,000 થી વધુ લોકો કામ કરે છે. વિશ્વના બધા જ દેશો, જેઓ અન્ય દેશોમાંથી પોલિશ્ડ ડાયમંડ અને જ્વેલરી ઈમ્પોર્ટ કરે છે એ ઈમ્પોર્ટમાંના 75% ભારતમાંથી અને ભારતમાં પણ મુખ્યત્વે સુરતમાંથી એક્સપોર્ટ થાય છે.

વર્ષ ૨૦૨૦માં અમેરિકાએ વિશ્વના જુદા જુદા 82 દેશોમાંથી પોલિશ્ડ ડાયમંડ્સ ઈમ્પોર્ટ (આયાત) કર્યા. આમાંના 91 % એમણે ભારત, ઈઝરાયલ, બેલ્જીયમ અને સાઉથ આફ્રિકામાંથી કર્યા. ભારતમાંથી 6.4 બિલિયન ડોલરના અને ઈઝરાયલમાંથી આનાથી અડધા એટલે કે ફકત 3.4 બિલિયન ડોલરના પોલિશ્ડ ડાયમંડ અમેરિકાએ ઈમ્પોર્ટ કર્યા! હવે તો લેબોરેટરીમાં પણ હીરા બનવા લાગ્યા છે. એને પણ ખાણમાંથી જે હીરા પ્રાપ્ત થાય છે એવા જ સાચા હીરા ગણવામાં આવ્યા છે. ડાયમંડની જે ચાર ક્વોલિટી છે – કટ, કલર, ક્લેરીટી અને કેરેટ આ સર્વે લેબોરેટરીમાં બનતા હીરામાં પણ જોવા મળે છે. લેબોરેટરીમાં બનતા હીરાની કિંમત ખાણમાંથી મળતા હીરાની કિંમત કરતાં ખૂબ જ ઓછી લગભગ 40 થી 50% જેટલી હોય છે. સુરતમાં હવે હીરા બનાવવાની લેબોરેટરીઓ પણ અનેક ખૂલી ગઈ છે.

સુરત આજે વિશ્વના ડાયમંડનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે અને વિશ્વમાં ડાયમંડનું સૌથી મોટું માર્કેટ અમેરિકા છે. આ કારણસર સુરતના ડાયમંડના વેપારીઓ એમની હાજરી અમેરિકામાં હોય એવું ઈચ્છે છે. તેઓ અમેરિકામાં  એમની ઓફિસો ખોલવા ચાહે છે. જેથી એમને અમેરિકા જોડે બિઝનેસ કરવામાં સરળતા અને સગવડતા પડે.

સુરતી ડાયમંડના વેપારીઓ કાં તો એમના સુરતના ડાયમંડના બિઝનેસની અમેરિકામાં શાખા ખોલીને એમના મેનેજરો, એક્ઝિક્યુટીવ્ઝ કે ખાસ જાણકારીવાળી વ્યક્તિઓને એમની અમેરિકાની શાખામાં ‘આંતર કંપની ટ્રાન્સફરી L-1 વિઝા’ ઉપર કામ કરવા મોકલી શકે છે. ‘એમ્પ્લોયમેન્ટ બેઝડ ફિફથ પ્રેફરન્સ કેટેગરી’, જેને ટૂંકમાં ‘EB-5’ કહેવામાં આવે છે એ પ્રોગ્રામ હેઠળ અમેરિકાના રીજનલ સેન્ટરમાં રોકાણ કરીને એમના મેનેજર અને એક્ઝિક્યુટીવ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે અને અમેરિકામાં એમના ડાયમંડના બિઝનેસનો વિસ્તાર કરી શકે છે.

જે કોઈ પણ વ્યાપારી સુરતમાં ડાયમંડનો બિઝનેસ કરતો હોય, એમની સોલપ્રોપરાઈટરી ફર્મ હોય, પાર્ટનરશીપમાં બિઝનેસ કરતા હોય અથવા તો પ્રાઈવેટ યા પબ્લિક લિમિટેડ કંપની હોય કે પછી કો-ઓપરેટીવ સોસાયટી હોય અને એમનો બિઝનેસ સારો ચાલતો હોય તો તેઓ અમેરિકામાં એમના બિઝનેસની શાખા ખોલીને કે પછી હોલ્લીઓન સબ્સિડરી ખોલીને, એમને ત્યાં છેલ્લાં ત્રણ વર્ષમાં, જેમણે ઓછામાં ઓછું એક વર્ષ મેનેજર, એક્ઝિક્યુટીવ કે ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે ફુલટાઈમ કામ કર્યું હોય એ વ્યક્તિને તેઓ એમની અમેરિકાની શાખામાં, એ જ હોદ્દા ઉપર, L-1 વિઝા ઉપર મોકલી શકે છે. મેનેજર અને એક્ઝિક્યુટીવને L-1 A વિઝા મળી શકે છે.

એની ઉપર તેઓ અમેરિકામાં સાત વર્ષ કામ કરી શકે છે. ખાસ જાણકારીવાળી વ્યક્તિને L-1 B વિઝા મળી શકે છે. એની ઉપર તેઓ પાંચ વર્ષ અમેરિકામાં કામ કરી શકે છે. શરૂઆતમાં L-1 A યા L-1 B વિઝા એક વર્ષ માટે આપવામાં આવે છે. ત્યાર બાદ અરજી કરતા એની મુદત બબ્બે વર્ષની લંબાવી શકાય છે. L-1 A યા L-1 B એમની પત્ની/પતિ અને એકવીસ વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનોને પણ એમના ડિપેન્ડન્ટ તરીકે ડિપેન્ડન્ટ L-2 વિઝા ઉપર પોતાની સાથે લઈ જઈ શકે છે. તેઓ ત્યાં જો ઈચ્છે તો પરવાનગી મેળવીને નોકરી કરી શકે છે અથવા ભણી પણ શકે છે. L-1 વિઝાધારકો માટે એમની અમેરિકન કંપની એમ્પ્લોયમેન્ટ બેઝડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન પણ દાખલ કરી શકે છે.

EB-5 પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં નવી કંપની ખોલીને એમાં નિયત કરેલી રકમનું રોકાણ કરીને, દસ અમેરિકનોને ફુલટાઈમ નોકરી આપીને અને એ બિઝનેસ જાતે ચલાવતા રોકાણકારને ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. રોકાણ કર્યા બાદ અને ગ્રીનકાર્ડ માટે પિટિશન દાખલ કર્યા બાદ લગભગ ત્રણ વર્ષમાં એ પિટિશન અપ્રુવ થાય છે અને રોકાણકારને ઈમિગ્રન્ટ વિઝા પ્રાપ્ત થાય છે. એ મેળવીને અમેરિકામાં પ્રવેશતા એને બે વર્ષનું કંડિશનલ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. એકવીસ મહિના બાદ એ કાયમનું કરવાની અરજી કરવાની રહે છે. ત્યારે એમણે બધી જ શરતોનું પાલન કર્યું છે એ દેખાડવાનું રહે છે. ત્યાર બાદ એમનું ગ્રીનકાર્ડ કાયમનું કરી આપવામાં આવે છે. આને લગભગ ત્રણેક વર્ષ લાગે છે.

ત્યાર બાદ એ ગ્રીનકાર્ડધારક જો ઈચ્છે તો અમેરિકાનું નાગરિકત્વ મેળવવાની અરજી કરી શકે છે. રોકાણની સાથે સાથે એની પત્ની/પતિ અને એકવીસ વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનોને પણ ડિપેન્ડન્ટ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. જો બિઝનેસ જાતે ન કરવો હોય તો અમેરિકાની સરકારે માન્ય કરેલા રીજનલ સેન્ટરમાં રોકાણ કરતાં પણ ગ્રીનકાર્ડ મળી શકે છે. રીજનલ સેન્ટરમાં જો રોકાણ કરવામાં આવ્યું હોય તો દસ અમેરિકનોને નોકરી આપવાની જવાબદારી રોકાણકારની નથી રહેતી. એ જવાબદારી રીજનલ સેન્ટરની રહે છે. એમને ડાયરેક્ટ ઈનડાયરેક્ટ કે ઈન્ડ્યુસ એમ્પ્લોયમેન્ટ આપવાની છૂટ હોય છે એટલે તો દરેક રોકાણકારદીઠ દસ અમેરિકનોને સીધી યા આડકતરી રીતે નોકરી આપી શકે છે. રીજનલ સેન્ટરમાં રોકાણ કરતાં રોકાણની રકમ જ્યારે રોકાણકારનું ગ્રીનકાર્ડ કાયમનું થાય ત્યાર બાદ પાછી મળી શકે છે. રોકાણની રકમ પાછી મળે એ માટે રીજનલ સેન્ટરની પસંદગી પૂરતી તપાસ કર્યા બાદ જ કરવી જોઈએ.

આજે સુરતના ડાયમંડના મોટાભાગના વેપારીઓ અમેરિકામાં એમના બિઝનેસની શાખા તો ખોલે છે પણ L-1 વિઝા નથી મેળવતા. EB-5 પ્રોગ્રામ હેઠળ ગ્રીનકાર્ડ પણ નથી મેળવતા. તેઓ B-1/B-૨ વિઝા મેળવીને અમેરિકા જાય છે અને ત્યાં છ મહિના રહી એમની ખોલેલી કંપનીમાં કામ કરે છે. ત્યાં ભરાતા JCK અને એના જેવા જ બીજા ડાયમંડ ફેરમાં ભાગ લે છે અને વારંવાર અમેરિકા આવ-જા કરે છે. આ યોગ્ય નથી. આવું કરનારાઓ ખૂબ મોટું જોખમ ખેડે છે. B-1/B-૨ વિઝા ઉપર તમે અમેરિકામાં પોતાની ઓફિસ ખોલી એમાં કામ કરી નથી શકતા. એ ઈલ્લીગલ છે અને ક્યારેક ને ક્યારેક ઈમિગ્રેશન ઓફિસરો આ વાત પકડી પાડે છે અને પછી એ વેપારીના B-1/B-૨ વિઝા કેન્સલ કરવામાં આવે છે અને મોટાભાગે તેઓ ફરીથી અમેરિકામાં કોઈ પણ પ્રકારના વિઝા ઉપર પ્રવેશી ન શકે એવો એમના ઉપર પ્રવેશનિષેધ લગાડવામાં આવે છે.

સુરતના ડાયમંડના વ્યાપારીઓ જેઓ આજે કરોડોમાં કમાણી કરે છે એમણે આવું ન કરવું જોઈએ. સૌ પ્રથમ એમણે આંતર કંપની ટ્રાન્સફરી L-1 વિઝા મેળવવા જોઈએ. સાથે સાથે EB-5 પ્રોગ્રામ હેઠળ પણ જો શક્ય હોય તો રોકાણ કરવું જોઈએ. L-1 વિઝાની મુદત પૂરી થાય એ પહેલાં તેઓ ગ્રીનકાર્ડ મેળવી શકશે અને અમેરિકામાં કાયમ રહી એમનો બિઝનેસ ત્યાં વિકસાવી શકે. ‘ડાયમંડ્સ આર ફોર એવર’ એટલે ડાયમંડનો બિઝનેસ ક્યારેય પણ બંધ કે ઓછો નહીં થાય. દિવસે દિવસે એ વિકસતો જ જશે. આથી સુરતના ડાયમંડ્સના વેપારીઓએ B-1/B-૨ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશીને બિઝનેસ ન કરતાં L-1 વિઝા અને EB-5 પ્રોગ્રામનો સત્વરે લાભ લેવો જોઈએ.

Most Popular

To Top