રોજ સવારે સમાચારપત્ર હાથમાં લો અને આઘાતજનક સમાચાર વાંચવા મળે. બળાત્કાર, સામુહિક બળાત્કાર, દહેજ,પરિણીતાની હત્યા, એસિડ એટેક, જાતીય સતામણી, લૈંગિક વિકૃતિ,ઘરેલુ હિંસા,ઘરમાંથી કાઢી મૂકવાની અને માનસિક વિકૃતિઓ દ્વારા પીછો કરી હેરાન કરવાની ઘટનાઓથી સંવેદનશીલ હૃદયને આંચકો લાગે! બાકી રૂટિન સમાચાર બની રહે! આવી કોઈ ઘટના બને ત્યારે નારી આંદોલનો, લોકોનો રોષ જોવા મળે. કેન્ડલ માર્ચ અને રાક્ષસોને જાહેરમાં ફાંસીની માગણીઓ કરતા બેનર્સ, પ્લેકાર્ડ લઈને રોડ પર વિરોધ નોંધાવવો. બધું સ્મશાન વૈરાગ્ય જેવું. સમયના વહેણ સાથે ફરી બધું યથાવત્.આ અંગે ફોજદારી કાયદામાં સમયાંતરે સુધારાઓ પણ થયા છે, પણ ભોગ બનેલ સ્ત્રીઓ સામાજિક બદનામી, ડર અને જાણકારીના અભાવે ફરિયાદ કરવા આગળ આવતી નથી,જેના પરિણામે આવા રાક્ષસી કૃત્ય કરનાર નરપિશાચોને છૂટો દોર મળી જાય છે. સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રી સ્વતંત્રતા, પુરુષ સમોવડી સ્ત્રીનાં બણગાં ફૂંકતો સુધરેલો શિક્ષિત સમાજ જ વધુમાં વધુ સ્ત્રીઓનું શોષણ કરતો જોવા મળે છે. દહેજ, પરિણીતાની હત્યા અને ઘરેલુ હિંસાના કિસ્સાઓમાં ઊંડા ઊતરીએ ત્યારે જણાય છે કે આમાં શિક્ષિત પરિવાર જ સામેલ છે. ત્યારે નારીને દેવી ગણાવનાર સમાજ કેટલો અને કેવો દંભી છે, તે સ્પષ્ટ થાય છે. દીકરાને જન્મ ન આપતી સ્ત્રીઓ પરના અત્યાચાર કાળજું કંપાવનારા હોય છે. આમાં ઘરની સ્ત્રીઓ પણ બાકાત નથી. સ્ત્રી જ સ્ત્રીનો સૌથી મોટો દુશ્મન છે. સ્ત્રી જ ઘરમાં દીકરા કરતાં દીકરીને ઉતરતી કક્ષાની ગણે છે. દીકરીને જન્મ આપે છે તેમાં શરીરવિજ્ઞાનની દ્રષ્ટિએ પણ સ્ત્રી કેટલે અંશે જવાબદાર? આ દંભી સમાજને કોણ સમજાવે? સ્ત્રીઓ અને દીકરીઓએ સબળા બની પોતાના અધિકાર માટે ખુલ્લા પડીને લડવું અનિવાર્ય છે.મૌન રહેવાથી અત્યાચારો ઘટશે નહીં, પણ વધશે.
સુરત – અરુણ પંડ્યા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીની વેદના
By
Posted on